તમે વકીલ છો થાય તે કરી લેજો કહી ,પડકાર્યાનો આક્ષેપ : પુત્રને ફરી ગરબીમાં મોકલશો તો જાનથી મારી નાખવાની ધમકી
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮ઃ
જામનગરના રણજીતસાગર રોડ વિસ્તારમાં ગરબીની ફી ભરવા બાબતે વકીલના ૧૨ વર્ષના પુત્રને થપ્પડ મારવાના બનાવ અંગે ગરબી સંચાલકની પુત્રી સહિત બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી માતા પોતે જામનગર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ફરિયાદ મુજબ, તા.૨૩ સપ્ટેમ્બરની રાત્રે વૃંદાવન પાર્ક વિસ્તારમાં યોજાતી જય અંબે ગરબીની પ્રેક્ટિસમાં ફરિયાદી એડવોકેટ નો ૧૨ વર્ષનો પુત્ર ગયો હતો. તેની ગરબીની ફી ભરવાની બાકી હોવાથી સંચાલક રીયાબેન બજાજે ફરિયાદીને ફોન કર્યો હતો. ત્યારબાદ રીયાબેનની પુત્રી સુમનબેને બાળકને ગરબીમાંથી કાઢી મૂક્યો હતો અને તેને ડાબા ગાલ પર થપ્પડ મારી હોવાનો આક્ષેપ છે.
બાળક રડતો ઘરે પહોંચ્યો હોવાની જાણ થતાં તેની માતા ગરબી સ્થળે પહોંચી હતી. ત્યાં ફી બાબતે વાતચીત દરમિયાન સુમનબેને ફરિયાદીને તમે વકીલ છો, તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. અન્ય મહિલા હેમાલીબેને પણ પોલીસમાં ઓળખાણ હોવાનું કહી ફરિયાદીને જ્યાં જવું હોય ત્યાં જવા જણાવ્યું હોવાની ફરિયાદમાં નોંધ છે.
આ ઉપરાંત ફરિયાદ મુજબ, તમે અને તમારો દીકરો અહીં ફરકતા નહીં, નહીં તો તમારા દીકરાને જાનથી પતાવી દઈશ અથવા ગુમ કરી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી. બાળકના ગાલ અને કાનમાં ઈજા થતાં તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ડોક્ટરે કાનની તપાસ માટે એન્ડોસ્કોપી કરાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.આ સમગ્ર પ્રકરણ અંગે વકીલ મહિલાએ સિટી-એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

