ગીર ફોરેસ્ટની ૧૦ ટીમોએ દિવસ-રાત એક કરી સિંહને પાંજરે પૂર્યો,૪૨ કલાકના મેગા ઓપરેશન બાદ વનતંત્રને મળી સફળતા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૮ઃ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર સિંહના હુમલાની ઘટના બાદ છેલ્લા ૪૨ કલાકથી ચાલી રહેલા વનવિભાગના મેગા ઓપરેશનને આખરે સફળતા મળી છે. બારપટોળી ગામે હુમલો કર્યા બાદ રાજુલા તાલુકાના કાતર ગામ તરફ પહોંચેલા હુમલાખોર સિંહને ગીર ફોરેસ્ટની ટીમોએ સતત મોનિટરિંગ અને ઘેરાબંધી બાદ કર્યા બાદ આખરે પાંજરે પૂરી દેતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજુલા તાલુકાના બારપટોળી ગામે સિંહ દ્વારા બે વનકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યા બાદ વનવિભાગે તાત્કાલિક સિંહની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આ સિંહ કાતર ગામ તરફ પહોંચી ગયો હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં વનતંત્ર દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન ૨૬ સપ્ટેમ્બરના રોજ સિંહને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે બીમાર હોવાનું જણાતા સિંહે અચાનક આક્રમક બની બે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વનવિભાગ માટે સિંહને સુરક્ષિત રીતે પાંજરે પૂરવો વધુ પડકારજનક બન્યો હતો.
હુમલાખોર સિંહને પકડવા માટે ગીર ફોરેસ્ટની અંદાજે ૧૦ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. સિંહના લોકેશન અને હિલચાલ પર સતત નજર રાખી, સંભવિત માર્ગો પર ટીમો ગોઠવી અને સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ગત દિવસથી વનતંત્ર દ્વારા સિંહને પાંજરે પૂરવા માટે મેગા ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું હતું.
આખરે સતત ૪૨ કલાકની દોડધામ, સર્ચ અને ઘેરાબંધી બાદ વનવિભાગની ટીમને હુમલાખોર સિંહને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. સિંહ પાંજરે પુરાઈ જતા સમગ્ર ઓપરેશનમાં જોડાયેલી વનવિભાગની ટીમોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિંહને હવે વનવિભાગ દ્વારા જરૂરી પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી માટે ખસેડવામાં આવશે. હુમલાની ઘટના બાદ બારપટોળી અને કાતર સહિતના આસપાસના વિસ્તારોમાં ઊભી થયેલી ભીતિ વચ્ચે સિંહ પાંજરે પુરાતા સ્થાનિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો છે.

