(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯ઃ
જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે વિવિધ પોલીસ મથકો હેઠળ અલગ અલગ સ્થળે નવ દરોડા પાડી કુલ ૧૨ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની કાર્યવાહીમાં એકી-બેકી તથા વરલી મટકાના જુગારના કુલ રૂ.૩,૦૨૦ની રોકડ રકમ ઉપરાંત જુગારનું સાહિત્ય અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.સીટી-એ ડિવિઝન પોલીસે સાત રસ્તા સર્કલ પાસે બે અલગ દરોડા પાડી એકી-બેકીનો જુગાર રમતા મહેન્દ્રસિંહ જાડેજા તથા હુશેન નોતિયારને રૂ.૪૬૦ સાથે અને હબીબ સમા તથા મકબૂલ ઉર્ફે નટો દેખાનને રૂ.૮૬૦ સાથે ઝડપી લીધા હતા.
કાલાવડ ગ્રામ્ય પોલીસે નીકાવા ગામના જુદા જુદા બે સ્થળે કાર્યવાહી કરી ભરત દાફડાને વરલી મટકાના આંકડા લખતા રૂ.૪૦૦ના મુદ્દામાલ સાથે તથા ગિરીશ ઉર્ફે ઉખેડિયો બુસાને રૂ.૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
મેઘપર-પડાણા પોલીસે મોટી ખાવડી ગામના સ્મશાન પાસે પ્રવિણ લાલવાણીને રૂ.૧૬૦ના મુદ્દામાલ સાથે તથા પડાણા ગામે બાપા સીતારામ મઢુલી પાસે ઉદય રાવલને રૂ.૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.પંચકોશી એ ડિવિઝન પોલીસે ધુવાવ હાઉસિંગ બોર્ડના ગરબીચોક પાસેથી ભગીરથસિંહ ઝાલાને રૂ.૨૩૦, હાપા ચાંદની ચોક ટાવર પાસેથી ભરત મકવાણાને રૂ.૨૨૦ તથા ધુવાવ હાઉસિંગ બોર્ડના ગરબીચોક પાસેથી ઇસ્માઇલ શેખને રૂ.૧૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આમ, જુગારના નવ અલગ કેસમાં કુલ ૧૨ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તમામ સ્થળેથી રોકડ રકમ, વરલી મટકાની ચિઠ્ઠીઓ, જુગારનું સાહિત્ય તથા બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

