બંને આરોપીઓ સામે Counterfeit medicineઓની દાણચોરી કરવા, વેચવાનું ષડયંત્ર રચવા અને અમેરિકા સાથે છેતરપિંડી કરવા જેવા સંગીન આરોપો મૂકવામાં આવ્યા છે
Washington, તા.૩૦
અમેરિકાના ન્યાય વિભાગે બે ભારતીય નાગરિકો—૩૩ વર્ષીય સ્વપ્નદીપ રોય અને ૩૭ વર્ષીય વિકી રામંચા—સામે નકલી ઓઝેમ્પિક ઈન્જેક્શનની દાણચોરી કરવા, તેને અમેરિકામાં વેચવા અને છેતરપિંડી આચરવાના ગંભીર આરોપો મૂક્યા છે. ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપો ઘડાયા બાદ મંગળવાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ સ્વપ્નદીપ રોયને ઈટાલીથી પ્રત્યાર્પિત કરીને અમેરિકી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો.
જુલાઈ ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ દરમિયાન બંને આરોપીઓએ કથિત રીતે ચીનથી નકલી ઓઝેમ્પિકનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ તેઓએ આ નકલી દવાઓ ઓછી કિંમતે અમેરિકન ડીલરોને વેચી હતી. આ નકલી દવાઓનું પેકેજિંગ, તેના પર લાગેલા લેબલ અને અંદર મૂકેલી ચિઠ્ઠી અસલી ઓઝેમ્પિક જેવી જ બનાવવામાં આવી હતી, જેથી ગ્રાહકો તેને અસલી માનીને ખરીદી લે. ઓઝેમ્પિક મુખ્યત્વે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય દવા છે, જેની કિંમત દર્દીઓ માટે દર મહિને સેંકડો ડોલર સુધી પહોંચે છે.
ડિસેમ્બર ૨૦૨૩માં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કેટલીક નકલી ઓઝેમ્પિક જપ્ત કરવામાં આવી હતી અને આ પ્રોડક્ટ્સ અંગે જાહેર ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. તેમ છતાં બંને આરોપીઓએ પોતાનું આ ગેરકાયદે નેટવર્ક બંધ ન કર્યું અને દાણચોરી ચાલુ રાખી હતી. બંને આરોપીઓ સામે નકલી દવાઓની દાણચોરી કરવા, વેચવાનું ષડયંત્ર રચવા અને અમેરિકા સાથે છેતરપિંડી કરવા જેવા સંગીન આરોપો મૂકવામાં આવ્યા છે. સ્વપ્નદીપ રોયની ધરપકડ ઈન્ટરપોલની રેડ નોટિસના આધારે કરવામાં આવી હતી, જે બાદ ન્યાય વિભાગના ’ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ’ દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેને ઈટાલીથી અમેરિકા ડિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

