વેપારીએ બેંકમા રકમ ઉપાડવા મોકલ્યોને કર્મચારી રૂ.૪૫ લાખ ઉપાડી ફોન બંધ કરી નાસી છૂટ્યો,
Rajkot તા.૩૦ઃ
માર્કેટ યાર્ડની પેઢીનો ચેક બેંકમાં વટાવી ૪૫ લાખની રકમ સાથે રફુચક્કર થયા બાદ અઢી વર્ષે પકડાયેલા આરોપી અમિત ઉર્ફે લાલો ડાભીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વધુુુુ વિગત મુજબ શહેરના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા રોનકભાઈ વિનોદરાય ઉદેશીએ પેઢીમાં કામ કરતા શહેરના ચંદ્રેશનગર, માણેક ચોક નજીક રહેતા અમિત ઉર્ફે લાલો હેમતસિંહ ડાભીને રકમ રૂ. ૪૫ લાખનો ચેક ભરી યુનિવર્સિટી રોડ પર બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી રકમ ઉપાડી લાવવા મોકલેલ, પરંતુ અમિત ઉર્ફે લાલો આ રકમ ઉપાડી તેનો ફોન બંધ કરી ભાગી છૂટ્યો હતો.
આથી રોનકભાઈએ અમિત ઉર્ફે લાલા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવી હતી. દરમિયાન આરોપી અઢી વર્ષ સુધી નાસ્તો ફરતો રહ્યા બાદ તા.૦૫/ ૦૮/ ૨૦૨૬ના રોજ પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. દોઢ મહિનો જેલમાં રહ્યા પછી અમિત ઉર્ફે લાલાએ સેશન્સ કોર્ટમા રેગ્યુલર જામીન અરજી કરેલ હતી. આ કામમાં મૂળ ફરિયાદી વતી એડવોકેટ સ્તવન મહેતાએ આરોપીની જામીન અરજી સામે લેખિતમાં અને મદદનીશ સરકારી વકીલે લેખિતમાં લીધેલા વાંધામાં જણાવાયું હતું કે, આરોપી અઢી વર્ષ નાસ્તો ફરતો રહ્યા બાદ પકડાયો છે, રૂપિયા ૪૫ લાખ પૈકી કોઈપણ રકમ આરોપી પાસેથી રિકવર થઈ નથી, માતબર રકમ ઓળવી ગયેલ હોય આરોપીની જામીન અરજી નામંજુર કરવા અરજ કરી હતી. તમામ પક્ષકારોને વિગતવાર સાંભળી સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. આ કામમાં મૂળ ફરિયાદી વતી યુવા ધારાશાસ્ત્રી સ્તવન જી. મહેતા, નિકુંજ શુકલ, બ્રિજેશ ચૌહાણ, જૈવિન સાવલિયા, નિરંજન ભટ્ટી, દિપક રાઠોડ, સનમબેન શેખ, અભય લખતરીયા, તથા મદદનિશ તરીકે નિશાંત ચાવડા, સત્યજીતસિંહ ઝાલા, ઉત્સવ રાઠોડ તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ અતુલ જોષી, આસિસ્ટન્ટ શીતલબેન ત્રિવેદી રોકાયા હતા.

