મુંજકા ચોકડી પાસેથી શંકાસ્પદ એકટિવા સાથે ગેરેજ સંચાલક ઝડપયો
Rajkot તા.૩૦ઃ
શહેર પોલીસે બે સ્થળોએથી ચોરાઉ વાહનો સાથે બે સગીર સહિત ત્રણ શખસોને ઝડપી લીધા છે. ભક્તિનગર પોલીસની ટીમે બે બાળ કિશોરોને ઝડપી શાપર વેરાવળમાંથી ચોરાયેલા બે બાઇક ચોરીના ગુના નો ભેદ ઉકેલ્યો છે. જ્યારે એલસીબી ઝોન-૨ ની ટીમે શંકાસ્પદ એક્ટિવા સાથે ગેરજ સંચાલકને ઝડપી લઇ કુલ રૂ. ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુ વિગત મુજબ શહેર માં વધતા જતા વાહન ચોરીના બનાવો અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચના ને પગલે ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ. જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ. એસ.એચ. ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન હેડ કોન્સ. મયુરદાન બાટી, કોન્સ. રવીભાઈ રત્નું, યુવરાજસિંહ તથા યોગીરાજસિંહને મળેલી બાતમીના આધારે કોઠારીયા મેઈન રોડ પર ઈન્ડિયન ઓઈલના પંપ પાસેથી નંબર પ્લેટ વગરના બે બાઇક (કિં. રૂ. ૧,૦૦૦૦૦) સાથે બે બાળ કિશોરોને ઝડપી લેવામાં આવ્યા હતાં. બંને સગીર પાસે બાઇકના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતાં. બાદમાં સઘન પુછતાછ કરતા આ બાઇક તેમણે શાપર વેરાવળ હાઇવે નજીકની સોસાયટીઓમાંથી ચોર્યાની કબૂલાત આપતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાયા છે. જ્યારે ડીસીપી ઝોન- ૨ રાકેશ દેસાઇની સૂચના હેઠળ એલસીબી ઝોન-૨ ના પી.એસ.આઈ. એસ.વી. ચુડાસમા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલ હકિકતના આધારે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ, મુંજકા ચોકડી પાસે માધવ હોટલ નજીકથી સફેદ રંગના હોન્ડા એક્ટિવા નં. જીજે-૧૦-સીએક-૭૫૨૧ (કિં. રૂ. ૩૦,૦૦૦) સાથે મૂળ બિહારના ગુલામ મુર્તુજા મોહમદ હનીફને ઝડપી લીધો હતો. મુંજકા ચોકડી પાસે પંચરની દુકાન ચલાવતો ગેરેજ સંચાલક ગુલામ પોલીસ પૂછપરછમાં એવું રટણ કરી રહ્યો છે કે આ એક્ટિવા તેને કોઈ મહિલા આપી ગઈ હતી. આ કામગીરીમાં એલસીબી ઝોન-૨ ના એ.એસ.આઈ. જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને રાજેશભાઈ મિયાત્રા તથા ટીમ સાથે રહી હતી.

