અહેમદ બાવાએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો : ખંડપીઠે કાવતરાના આધારે દોષિત ઠેરવવાની દલીલ સાંભળી નોટિસ જાહેર કરી હતી
Ahmedabad, તા.૧
સુપ્રીમ કોર્ટે ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા દોષિત અહેમદ બાવા અબુ અબુબકર બરેલવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં નોટિસ ઈસ્યું કરી છે. આ અરજીમાં ગુજરાત હાઈકોર્ટના તે નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં તેને દોષિત ઠેરવવાતી સજા અને ફાંસીની સજાને યથાવત રાખવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, દોષિત ઠેરવવાનો નિર્ણય સંપૂર્ણપણે કાવતરાના આરોપ પર આધારિત હતો. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના અનુવાદની માંગ કરતી અરજી પણ રજૂ કરવામાં આવી હતી.
ટ્રાયલ કોર્ટના દસ્તાવેજો સ્થાનિક ભાષામાં છે. જસ્ટિસ નાથે ટિપ્પણી કરી, “ઠીક છે, સજાના અમલ પર રોક લગાવવામાં આવશે. હાલ પૂરતી નોટિસ ઈસ્યુ કરો.” ગુરુવારની સુનાવણી દરમિયાન, બરેલવીના વકીલે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અનુવાદિત નકલની પણ માંગણી કરી હતી, કારણ કે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ્સ ગુજરાતીમાં હતા.
અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ થયા હતા, જેમાં શહેરના વિવિધ ભાગોમાં અનેક વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી ૨૦૨૨માં, ગુજરાતની એક વિશેષ અદાલતે આ કેસમાં ૪૯ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમાંથી ૩૮ લોકોને ફાંસીની અને ૧૧ લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી, જ્યારે અન્ય ૨૮ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
ત્યારબાદ, ગુજરાત હાઈકોર્ટે દોષિતો દ્વારા તેમની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલો તેમજ રાજ્ય દ્વારા માંગવામાં આવેલી ફાંસીની સજાની પુષ્ટિ અંગેની કાર્યવાહીની સુનાવણી કરી હતી. હાઈકોર્ટે ૩૮ દોષિતોની સજા અને ફાંસીની સજાને યથાવત રાખી હતી. બરેલવીએ તે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટે શું કહ્યું હતું? હાઈકોર્ટે દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અપીલો ફગાવી દીધી અને સ્પેશિયલ કોર્ટના ફેબ્રુઆરી ૨૦૨૨ના ચુકાદાને યથાવત રાખ્યો; આ ચુકાદામાં ૈંસ્ (ઇન્ડિયન મુજાહિદ્દીન) ના ૩૮ સભ્યોને ફાંસીની અને અન્ય ૧૧ સભ્યોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ કરવાની માંગ કરી હતી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે ૩૮ દોષિતોનો ગુનાહિત ઇતિહાસ અને તેમની ભૂમિકાઓ એ સાબિત કરે છે કે તેમણે એવું આતંકવાદી કૃત્ય આચર્યું હતું જેના માટે ફાંસીની સજા યોગ્ય ઠરે છે.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન દોષિતના વકીલે દલીલ કરી હતી કે અરજદારને માત્ર કાવતરાના આધારે જ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ દલીલો ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ જાહેર કરીને ફાંસી પર રોક લગાવી દીધી. આ સુનાવણી દરમિયાન કેસ સંબંધિત દસ્તાવેજોના અનુવાદનો વિષય પણ સામે આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના મોટાભાગના દસ્તાવેજો સ્થાનિક ભાષામાં છે. તેથી ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અને સંબંધિત કાગળોનો અનુવાદ પૂરો પાડવા માટે પણ અલગથી અરજી દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સાતમી જુલાઈએ ૨૦૨૬ના રોજ ગુજરાત હાઇકોર્ટે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે વર્ષ ૨૦૨૨માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખીને ૩૮ આતંકીઓની ફાંસીની સજા અને ૧૧ દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો. જેમાં જાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ, ઇમરાન ઇબ્રાહિમ શેખ, ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ, શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલસલીમ અન્સારી, મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી, મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા, યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી, કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ, આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ, શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ, સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન, હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન, મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી, અબુબસર ઉર્ફે મુફ્તિ ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ, અબ્બાસ ઉમર સામેજા, જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ), મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી, અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની, મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ, આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ, મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા, કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા, મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ, ઝીશાન અહેમદ એહસાનઅહેમદ શેખ, જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુસ્લિમ, મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર, મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ, ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની, અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી, સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ,સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી, સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ, મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ, આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ, મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન, મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ, તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણનો સમાવેશ થાય છે.

