Bhavnagar,તા.૧૨
ગારિયાધાર તાલુકાના વીરડી ગામે ભત્રીજા દ્વારા કાકાની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મૃતકની ઓળખ આણંદભાઈ પૂજાભાઈ કંટારિયા તરીકે થઈ છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, સગા ભત્રીજા દ્વારા ખાણખનિજની ચોરી થતી હોવાની બાબતે કાકાએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, જમીનના જૂના વિવાદને લઈને અગાઉ પણ બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જીવલેણ હુમલો થયાનો આક્ષેપ છે.
મળતી માહિતી મુજબ, મૃતક આણંદભાઈ આજે ઘરે એકલા હતા ત્યારે ચારથી પાંચ જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરો પાઇપ લઈને આવ્યા હતા અને ઘરના દરવાજામાં તોડફોડ કરીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ આણંદભાઈને માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ગારિયાધાર ખસેડવામાં આવ્યા હતા.
ગારિયાધારમાં પ્રાથમિક સારવાર બાદ આણંદભાઈને વધુ સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વીરડી ગામમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ આ મામલે પાંચ લોકોની સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે.
મૃતકના સગા મોહિત ઉમેશભાઈ કંટારિયાના જણાવ્યા મુજબ, રમેશભાઈ અને ચિરાગભાઈ તરફથી અગાઉ ફોન કરીને ધમકી આપવામાં આવી હોવાનો તેમનો આક્ષેપ છે. મોહિતે વધુમાં જણાવ્યું હતું કે, હુમલાની જાણ થયા બાદ તેમણે ૧૧૨ અને ૧૦૮ પર ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસની મદદથી ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના જણાવ્યા મુજબ, ઘરમાં હુમલાને લગતી પરિસ્થિતિ જોવા મળી હતી. જોકે, આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાને પગલે ગારિયાધાર પોલીસે તપાસ હાથ ધરી છે અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. પરિવારજનો દ્વારા રમેશભાઈ, ચિરાગભાઈ રમેશભાઈ, મહેશભાઈ પરવીણભાઈ, દીપીબેન પરવીણભાઈ અને રજુબેન પરવીણભાઈનાં નામ લેવામાં આવ્યાં છે. જૂના જમીન વિવાદ અને ખાણખનિજના મુદ્દે થયેલા વિવાદની હત્યા સાથે શું કડી છે, તે સહિતના તમામ પાસાંઓની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

