આત્મનિર્ભર કૃષિ માટે ટેકનોલોજી અને સહકારી પ્રવૃત્તિઓની ભૂમિકા વિષય પર યોજાયેલા અધિવેશનમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ લીધો ભાગ
Junagadh તા.૨૭ઃ
Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાત, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વિદ્યાર્થી વિકાસ નિધિ ટ્રસ્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર કૃષિ માટે ટેકનોલોજી અને સહકારી પ્રવૃત્તિઓની ભૂમિકા વિષય પર એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન તા. ૨૪ અને ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયું હતું.
બે દિવસીય આ અધિવેશનમાં ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગ, સહકારી પ્રવૃત્તિઓના સશક્તિકરણ તેમજ ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધારવા માટેના વિવિધ અભિગમો અંગે વિચારવિમર્શ કરવાનો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને અને ઉદૃઘાટક તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ.ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, વિશિષ્ટ અતિથિઓ તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એ. જી. પાનસુરિયા, -ભારતીય મગફળી સંશોધન સંસ્થાના નિયામક ડૉ. એસ. કે. બેરા તથા કન્વીનર અને કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડૉ. કે. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એગ્રીવિઝન ગુજરાતના રાજ્ય સંયોજક અને આયોજન સચિવ શ્રી કેશવ કશ્યપ તથા એગ્રીવિઝનના રાષ્ટ્રીય પ્રભારી શ્રી વિક્રમ ફરશ્વાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશન દરમિયાન કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતી છ મુખ્ય થીમ્સ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન, પ્રાકૃતિક ખેતી અને બાયોટેકનોલોજી, કૃષિ ઇજનેરી, ડેરી અને ફૂડ ટેકનોલોજી, બાગાયત, વનીકરણ અને ગૃહવિજ્ઞાન, પશુપાલન, પશુધન અને મત્સ્યપાલન, કૃષિ વ્યવસાય, ડેટા સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોના પ્રવાહો અને સફળ પ્રયોગો તથા કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનના ક્ષેત્રોમાં નવીન વ્યવસાયિક વિચારો અને મોડેલ્સના પ્રદર્શનનો સમાવેશ થયો હતો. આ થીમ્સનો મુખ્ય હેતુ ટેકનોલોજી અને સહકારી પ્રવૃત્તિઓના સમન્વય દ્વારા કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને તેમની સંશોધન પ્રવૃત્તિઓ, નવીન વિચારો અને ટેકનોલોજીકલ આવિષ્કારો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાના હેતુથી અધિવેશનમાં મૌખિક સંશોધન રજૂઆતો, પોસ્ટર રજૂઆતો અને મોડેલ રજૂઆતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ મૌખિક રજૂઆતો, ૧૦૩ પોસ્ટર રજૂઆતો અને ૪ મોડેલ રજૂઆતો સહિત કુલ ૧૨૧ રજૂઆતો કરવામાં આવી હતી.
આ અધિવેશનમાં કૃષિ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરનાર છ ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ યોજાયો હતો. આ સંવાદ દરમિયાન ઉદ્યોગસાહસિકોએ પોતાની સફળતાની સફર, વ્યવહારુ અનુભવો, નવીન અભિગમો અને કૃષિ ક્ષેત્રમાં આપેલા યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સંવાદથી વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિભાઓને કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્વરોજગારની તકો અંગે પ્રેરણા મળી હતી.
અધિવેશનના સમાપન સમારોહમાં અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ ઉપરાંત એબીવીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુશ્રી સુરભી દવે, એગ્રીવિઝનના રાષ્ટ્રીય સહ-સંયોજક શ્રી સનત તોતિગર, એબીવીપીના રાજ્ય સચિવ શ્રી દેવાંશ બ્રહ્મભટ્ટ અને એગ્રીવિઝનના રાજ્ય પ્રમુખ ડૉ. અજય મારુએ પણ સંબોધન કર્યું હતું. સમારોહ દરમિયાન એગ્રીવિઝનની નવી રાજ્ય ટીમની જાહેરાત કરવામાં આવી હતી તેમજ મહાનુભાવોનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે એગ્રીવિઝન ગુજરાતના રાજ્ય પ્રમુખ ડૉ. પરાગ પંડિતે આભારવિધિ કરી હતી અને રાષ્ટ્રગાન સાથે સમારોહ પૂર્ણ થયો હતો.
અધિવેશન દરમિયાન વૈજ્ઞાનિક સંશોધન, નવીન ટેકનોલોજી, કૃષિ ઉદ્યોગસાહસિકતા અને સહકાર આધારિત વિકાસ દ્વારા કૃષિને વધુ ઉત્પાદક, ટકાઉ અને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અધિવેશને વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, યુવા સંશોધકો અને કૃષિ ક્ષેત્રના અગ્રણીઓને એક મંચ પર લાવી જ્ઞાનના આદાનપ્રદાન, સંશોધન અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડી હતી.
ટેકનોલોજી, સહકાર અને ઉદ્યોગસાહસિકતાના સમન્વય દ્વારા આત્મનિર્ભર કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલું એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
અધિવેશનના સફળ આયોજન માટે કન્વીનર તરીકે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના ડૉ. કે. સી. પટેલે જવાબદારી નિભાવી હતી. કો-કન્વીનર તરીકે પ્રો. ડૉ. ગિરીશ પ્રજાપતિ, એગ્રીવિઝન ગુજરાતના ડૉ. અજય મારુએ, સબ-કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી કરી હતી. કામધેનુ યુનિવર્સિટીના પ્રો.ડૉ. મનીષ પરમાર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ. પી. એ. પંડ્યાએ જોઇન્ટ કન્વીનર તરીકે સેવા આપી હતી. આયોજન સચિવ તરીકે કન્વીનર, એગ્રીવિઝન ગુજરાત રાજ્યના શ્રી કેશવ કશ્યપ અને સુશ્રી હેત્વી બૂટાણીએ, જ્યારે સહ-આયોજન સચિવ તરીકે શ્રી ગોકુલ સોરઠિયા અને શ્રી મન સાગરે જવાબદારી સંભાળી હતી. સમગ્ર આયોજનમાં આયોજક ટીમના સભ્યોના સંકલન અને સહયોગથી અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ. કે. સી. પટેલની યાદીમાં જણાવાયું છે.

