ધારીના ગઢીયા ગામે આંબાના બગીચામાં ઢળતી સાંજે બિન્દાસ આરામ ફરમાવતો ડાલામથ્થો કેમેરામાં કેદ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૭ઃ
Amreli જિલ્લાના ધારી ગીર પંથકમાં એશિયાટિક સિંહોની હાજરી સતત ચર્ચાનો વિષય બની રહી છે. ધારી આજે તાલુકાના ગઢીયા ગામે ઢળતી સાંજે એક ડાલામથ્થો સિંહ આંબાના બગીચામાં નિરાંતે આરામ ફરમાવતો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ખુલ્લા વાતાવરણમાં બિન્દાસ અંદાજમાં આરામ કરતો સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારી પંથકમાં સિંહોની વધતી હાજરી ફરી ચર્ચામાં આવી છે.
ધારી ગીર વિસ્તાર એશિયાટિક સિંહોના વસવાટ માટે જાણીતો છે, જો કે, જંગલની સીમા બહાર રેવન્યુ વિસ્તારમાં પણ સિંહોના આંટાફેરા જોવા મળતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગઢીયા ગામના આંબાના બગીચામાં સિંહ આરામ ફરમાવતો હોવાનો વીડિયો આ જંગલના રાજાની સ્વચ્છંદ જીવનશૈલીની ઝલક રજૂ કરે છે.
વીડિયોમાં સિંહ ઢળતી સાંજે આંબાના બગીચામાં શાંતિથી આરામ કરતો જોવા મળે છે. આસપાસના વાતાવરણમાં સહજ રીતે બેઠેલો ડાલામથ્થો જાણે પોતાના જ સામ્રાજ્યમાં વિહરતો હોય તેવો નજારો કેમેરામાં કેદ થયો છે. આ દૃશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં પણ આકર્ષણ જાગ્યું છે.
ધારી પંથકમાં સિંહોની વધતી હાજરી એક તરફ વન્ય જીવપ્રેમીઓ માટે આનંદ અને કુતૂહલનો વિષય છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો માટે વન્ય જીવોની અવરજવર અંગે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી બની છે. ખાસ કરીને ખેતરો, વાડીઓ અને બગીચાઓમાં અવરજવર કરતા ખેડૂતો તથા ખેતમજૂરોએ સાવચેતી રાખવી જરૂરી છે.
ગઢીયા ગામે આંબાના બગીચામાં આરામ ફરમાવતા સિંહનો વાયરલ વીડિયો ફરી એકવાર દર્શાવે છે કે ધારીગીર પંથકમાં માનવ વસાહતોની આસપાસ પણ વનરાજની હાજરી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જોકે, રેવન્યુ વિસ્તારમાં સિંહોની હાજરી અને વસવાટમાં વધારા અંગેની ચોક્કસ સ્થિતિ જાણવા વન વિભાગના સત્તાવાર આંકડા અને માહિતી મહત્ત્વપૂર્ણ રહેશે.

