Rajkot ,તા.૨૮
શહેરમાં ગાંજાના ગેરકાયદે વેચાણ અને સપ્લાયની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં એસઓજી, રેલવે પોલીસ અને પ્ર.નગર પોલીસની કાર્યવાહીએ નશાના કારોબારનું ચિંતાજનક ચિત્ર સામે લાવ્યું છે. રૈયા રોડ પરના એપાર્ટમેન્ટમાંથી રૂ. ૨૩.૮૦ લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે, રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો પકડાયા, જ્યારે સદર બજારમાં ઝઘડાની જાણ કરવા પહોંચેલો શખ્સ જ ગાંજાના જથ્થા સાથે પોલીસના હાથે ચઢ્યો છે. આ ત્રણેય કેસમાં કુલ રૂ. ૨૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. ત્યારે તપાસ દરમિયાન અલગ-અલગ કથિત સપ્લાયરો અને પેડલરોની ભૂમિકા સામે આવતાં પોલીસે આગળની કડીઓ જોડવા તપાસ તેજ કરી છે.
વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેર એસઓજીની ટીમે બાતમીને આધારે રૈયા રોડ પર યોગીરાજનગર શેરી નંબર-૪માં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૩માં દરોડો પાડ્યા હતા, જે દરમિયાન ફ્લેટમાંથી ૬૮૦ ગ્રામ હાઈબ્રિડ ગાંજો, મોબાઇલ ફોન અને વજનકાંટો સહિત કુલ રૂ. ૨૩.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા હાઈબ્રિડ ગાંજાની કિંમત રૂ. ૨૩.૮૦ લાખ હોવાનું સામે આવ્યું છે. જે મામલે એસઓજીએ પૂજા ભટ્ટ નામની ૩૭ વર્ષીય મહિલાને ઝડપી પાડી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આ કેસમાં પૂજાના ભાણેજ અને કથિત પેડલર ગૌતમ દવેનું નામ સામે આવ્યું છે. ગૌતમ ગાંજો સાચવવા માટે પૂજાને આપી ગયો હતો અને ત્યાંથી નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી છે. આ મામલે ગૌતમ દવેને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. બનાવ સંદર્ભે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનારા બી. વી. ચુડાસમા દ્વારા પૂજા ભટ્ટ તેમજ ગૌતમ દવે વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એન. બી. ચૌધરીએ વાતચીતમાં જણાવ્યું છે કે, સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. ગૌતમ ઝડપાયા બાદ તે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કોની પાસેથી મેળવતો હતો? છૂટક કોને વેચતો હતો તે સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ પૂજા નશાના કાળા કારોબારમાં મદદગારી કરીને આર્થિક ઉપાર્જન કેટલું કરતી હતી તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.બીજી કાર્યવાહીમાં રાજકોટ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર ૧ના જામનગર તરફના છેડા નજીકથી બે શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસેથી આશરે ૮.૭૫ કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાની કિંમત રૂ. ૪.૩૭ લાખ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂ. ૪.૮૭ લાખ થતો હોવાનું ખુલ્યું છે.
પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સોની ઓળખ ૩૭ વર્ષીય શૈલેન્દ્રકુમાર કુશવાહા તરીકે થઈ છે. જે મોરબીની સિરામિક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તેની સાથે રહેલા યુવકની ઓળખ મોરબીના કુબેરનાથ રોડ, ખાટકીવાસ વિસ્તારમાં રહેતા આરિફ સૈયદ (ઉં.વ. ૩૩) થઈ છે. તેઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, શૈલેન્દ્રકુમાર આ ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો અને આરિફ સૈયદ તેને લેવા પહોંચ્યો હતો.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ, શૈલેન્દ્ર અમદાવાદથી ગાંજો લાવ્યો હતો અને આરિફ આ જથ્થો મોરબીમાં અન્ય પેડલરો સુધી પહોંચાડવાનો હતો. જોકે તેઓ આ કૃત્યને અંજામ આપે તે પહેલા જ પોલીસે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ત્યારે અગાઉ પણ ગાંજાની એક ખેપ પહોંચાડી હોવાની તેમણે કબૂલાત આપી હોવાનો પોલીસનો દાવો છે. આટલું જ નહીં, આરિફ સામે અગાઉ હત્યા, દારૂ અને એનડીપીએસ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી હોવાનું જણાવાયું છે.
ત્રીજી ઘટનામાં પ્ર.નગર પોલીસને સદર બજારમાં સંતોષ સિઝન સ્ટોર સામે ઝઘડો થતો હોવાની ૧૧૨ જનરક્ષક મારફતે જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કમલેશ પોપટ (રહે. મોટી પાનેલી, તા. ઉપલેટા) સહિત ત્રણ શખ્સો પાસે શંકાસ્પદ પદાર્થ ભરેલી બે પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. તપાસમાં એક કોથળીમાંથી ૧૩.૭૪ ગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ. ૪૮ હજાર, જ્યારે બીજીમાંથી ૭૫.૯૭ ગ્રામ સૂકો ગાંજો, જેની કિંમત રૂ. ૩,૭૯૩ દર્શાવવામાં આવી છે, મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતા પોલીસે કમલેશની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન કમલેશે બંને કોથળીઓ પોતાની હોવાનું જણાવ્યું હતું, સાથે જ આ જથ્થો રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતા દેવેન મનોજ પંતે આપ્યો હોવાની માહિતી કમલેશે આપી હોવાનું પોલીસનું કહેવું છે. આથી પોલીસે દેવેન પંતને શોધવા તપાસ શરૂ કરી છે.

