(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૧ઃ
Jamnagarમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદેશ કક્ષાએથી થતી સતત દખલગીરી અને સંગઠનની કામગીરીમાં હસ્તક્ષેપથી નારાજ થયેલા ત્રણ સંગઠન મંત્રીઓ સહિત ચાર હોદ્દેદારોએ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી સામૂહિક રાજીનામાં આપી દેતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
રાજીનામાં આપનારાઓમાં વિધાનસભા મતવિસ્તાર નંબર ૭૯ના સંગઠન મંત્રી નિલેશભાઈ ભાલારા, વિધાનસભા મતવિસ્તાર નંબર ૭૮ના સંગઠન મંત્રી જીવરાજભાઈ ચૌહાણ, જામનગર લોકસભાના સંગઠન મંત્રી દુર્ગૅશભાઈ ગડલિંગ તથા સિમરન ઇકબાલભાઈ રાવકડાનો સમાવેશ થાય છે.
સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોમાં પ્રદેશ નેતૃત્વની દખલગીરીને લઈને લાંબા સમયથી અસંતોષ પ્રવર્તતો હોવાનું જાણવા મળે છે. સંગઠનની સ્થાનિક કામગીરીમાં ઉપરથી અપાતા આદેશો અને સતત હસ્તક્ષેપના કારણે સ્થાનિક હોદ્દેદારોમાં નારાજગી વધી હતી. આખરે આ અસંતોષે સામૂહિક રાજીનામાંનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળે છે.
દરમિયાન, આમ આદમી પાર્ટીના અન્ય ૩૦થી વધુ સક્રિય હોદ્દેદારો પણ રાજીનામાં આપવાની તૈયારીમાં હોવાની ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. જો આ હોદ્દેદારો પણ પક્ષથી છેડો ફાડે તો જામનગરમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મોટો ફટકો પડી શકે તેમ છે.
હાલમાં આ રાજીનામાં બાદ પ્રદેશ નેતૃત્વ દ્વારા નારાજ હોદ્દેદારોને મનાવવાના પ્રયાસો કરવામાં આવે છે કે કેમ? અને રાજીનામાંનો દોર આગળ વધે છે કે કેમ? તે અંગે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે.

