(નયના દવે દ્વારા)
Jamnagar તા. ૩૦,
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો ભયમુક્ત અને સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તેમજ માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જામનગર જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત સતત બીજા દિવસે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તા. ૨૯મી ઓક્ટોબરના રોજ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન દારૂ પીને વાહન ચલાવવા, બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરવા, કારમાં બ્લેક ફિલ્મ લગાવવા, નંબર પ્લેટ વગરનાં તથા ફેન્સી નંબર પ્લેટવાળાં વાહનો અને મોડીફાઇડ સાયલન્સર ધરાવતાં વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Jamnagar શહેર અને જિલ્લાના ભીડભાડવાળા તથા વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને વાહન ચલાવતા, સ્પોટ્ર્સ બાઇક પર જોખમી રીતે સ્ટંટ કે ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતા અને અન્ય લોકોની સુરક્ષા જોખમાય તે રીતે ડ્રાઇવિંગ કરતા વાહનચાલકો પર પોલીસની નજર રહી હતી.
પોલીસની આ કામગીરી દરમિયાન જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ આઠ કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે દારૂ પીને વાહન ચલાવવા બદલ ૧૨ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ હેઠળ ૧૧ કેસ નોંધાયા હતા. મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ ૨૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મ લગાવવાના ૪૪ કેસ, નંબર પ્લેટ વગરનાં વાહનોના ૪૨ કેસ, ફેન્સી નંબર પ્લેટના ૧૯ કેસ અને મોડીફાઇડ સાયલન્સર ધરાવતાં વાહનોના ચાર કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરી સ્થળ પર કુલ રૂ. ૬૧,૧૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સમગ્ર સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક, શહેર તથા ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષકો અને સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ જામનગર જિલ્લા પોલીસના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.દિવાળીના તહેવારો દરમિયાન માર્ગ અકસ્માતો અટકાવવા, ટ્રાફિકની સમસ્યા નિયંત્રિત કરવા અને નાગરિકોની સુરક્ષા જાળવવાના હેતુથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને નિયમભંગ કરનારાઓ સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે.

