Ujjain, તા.૧
મહાકાલ નગરી Ujjainના દેવાસ રોડ પર આવેલી જાણીતી ’હોટેલ શ્રીગંગા’માં શનિવારે મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. હોટેલના વેસ્ટેજ ચેમ્બર (ડ્રેનેજ ટાંકી)ની સફાઈ કરવા ઉતરેલા ૪ કર્મચારીઓના ઝેરી ગેસની ગૂંગળામણના કારણે કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં સાથી કર્મચારીઓને બચાવવા ગયેલા અન્ય કેટલાક કર્મચારીઓ પણ વિષકારી ગેસની ઝપેટમાં આવતાં ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હોટેલના વેસ્ટેજ ચેમ્બરમાં મીઠાઈ, ડેરી ઉત્પાદનો, ચાસણી, ઘી-તેલ અને એંઠા પાણીનો કચરો એકત્રિત થતો હતો. આ કચરાના કારણે ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં શનિવારે રાત્રે આશરે ૧૦ઃ૩૦ વાગ્યાના સુમારે હોટેલના કર્મચારીઓ ટાંકી સાફ કરવા માટે ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, ટાંકીમાં અગાઉથી જમા થયેલા અત્યંત ઝેરી વાયુના કારણે કર્મચારીઓ અંદર જ ગૂંગળાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા.
અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં તેમને બહાર કાઢવા ઉતરેલા અન્ય કર્મચારીઓ પણ બેભાન થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉજ્જૈન જિલ્લા પોલીસ વડા (જીઁ) પ્રદીપ શર્મા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા બચાવ ઓપરેશન બાદ ચારેય કર્મચારીઓને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં ઝેરી વાયુ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે જ ચારેય કર્મચારીઓના મોત થયા હોવાનું સ્પષ્ટ થયું છે. હોટેલ સંચાલકો દ્વારા કર્મચારીઓને સેફ્ટી કિટ કે સુરક્ષાના સાધનો વગર જ ઝેરી ચેમ્બરમાં ઉતારવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર ઉજ્જૈન શહેરમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

