Rajkot તા.૧ઃ
, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ ‘‘ભારત રત્ન’’ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે તા. ૩૧મી ઓક્ટોબરના રોજ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા તેમજ સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રબળ બનાવવાના સંદેશ સાથે સમગ્ર દેશમાં ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. આ અનુસંધાને ગુજરાતના ગૌરવ સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં કુલ ૩૬ સ્થળોએ કરવામાં આવ્યું હતું.
જેમાં વોર્ડ નં.૧માં શાળા નં.૯૦ સરકારી સ્કૂલની બાજુમાં બગીચામાં, ગાંધીગ્રામ ખાતે માન. મેયરશ્રી ડો. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, રાજકોટના માન. પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. માધવભાઈ દવે, ધારાસભ્યશ્રી ડો. દર્શીતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા માન. મેયરશ્રી ડો. નેહલ શુકલએ કહ્યું હતું કે, વર્ષ ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું એકીકરણ કર્યું હતું પરંતુ ત્યારબાદ તેમના આ મહાન યોગદાનને અને વર્ષો અને પેઢીઓ સુધી કોઈએ યાદ પણ ન કર્યા. અમેરિકા, જર્મની અને ઈટાલીમાં તો લોકોના લોહી વહ્યા હતાં, પણ સરદાર પટેલે ભારત દેશને લોહીનું તક ટીપું પણ વહાવ્યા વગર એક કર્યો હતો. ભારતના ઇતિહાસમાં તેમના આ યોગદાનને ભૂંસી નાંખવામાં આવ્યું હતું. જોકે દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવાનું ભગીરથ કાર્ય સાકાર કરી સરદાર પટેલના યોગદાનને ઉચિતરીતે ઉજાગર કર્યું હતું.
મેયરશ્રીએ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લઇ એ દિશામાં સખત જહેમત ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. દેશને વિકસિત બનાવવાની જવાબદારી શું માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ છે ? ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની જવાબદારી શું માત્ર માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની જ છે ? રાજકોટને વિકસિત બનાવવાની જવાબદારી શું માત્ર નેહલભાઈ શુક્લ, માધવભાઈ દવે કે, દર્શિતાબેન શાહની જ છે ? દેશને વિકસિત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. આ કાર્યમાં આપણે પણ આપણું કંઈક ને કંઈક યોગદાન આપવું જ જોઈએ. જો આપણે દર વર્ષે એક સંકલ્પ લઈએ તો વર્ષ ૨૦૪૭ સુધીમાં ૨૧ સંકલ્પ થાય, અને દેશની ૧૫૦ કરોડની જનતા દર વર્ષે એક એક સંકલ્પ લ્યે તો ૩૦ હજાર કરોડથી વધુ સંકલ્પ થાય. આપણે આજે એક નાનકડો સંકલ્પ કરીએ કે, આપણે કોઈ હવેથી જાહેરમાં કચરો નહીં ફેંકીએ. જો આપણે સૌ માત્ર આટલું કામ કરીશું તો પણ આપણું રાજકોટ શહેર સ્વચ્છ બની જશે. આ જ પ્રકારે જો સૌ સંકલ્પ કરે તો માત્ર રાજકોટ જ નહીં, આપણું ગુજરાત અને સમગ્ર દેશ સ્વચ્છ અને સુંદર બની જશે.
આજના પ્રસંગે રાજકોટના માન. પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમ વિશે વાત કરી ઉપસ્થિત સૌને ‘‘એકતા દિવસ’’ની શુભકામના પાઠવી હતી. આ પૂર્વે નાની બાળાઓએ મહાનુભાવોનું તિલક કરીને તેમજ વોર્ડ નં.૧ના કોર્પોરેટરશ્રીઓ શ્રી અંજનાબેન અલ્પેશભાઈ મોરઝરિયા અને શ્રી સેજલબેન અમિતરાજ ચૌધરીએ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનાર પરેડ સહિતના સમગ્ર કાર્યક્રમનું રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં નિયત ૩૬ સ્થળોએ સાંજે ૦૫૩૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ પરેડના મુખ્ય આકર્ષણો વિશે વાત કરીએ તો, નક્સલ – વિરોધી અભિયાનોમાં લાગેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય પોલીસ દળોની પરેડયોજાઈ હતી. જેમાં નક્સલ વિરોધી અભિયાનની શ્વાન સ્ક્વોડપણ સામેલ થઇ હતી. આ ઉપરાંત જન સંકલ્પનાથી સર્જિત વિવિધ જીવંત ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. નક્સલ – મુક્ત ભારત પર આદિવાસી કલાકારો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરાઈ હતી. આ પરેડમાં ૫,૦૦૦ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ પ્રદર્શન કરવામાં આવેલ. તેમજ નશા-મુક્ત ભારતનો સંદેશ આપતી રાષ્ટ્રીય મોટરસાઇકલ રેલી પણ યોજવામાં આવી હતી. ત્યારબાદ આકાશમાં રંગબેરંગી રંગોળીઓ સર્જી દેનાર ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી. સાથોસાથ દેશના એકીકરણનું ભગીરથ કાર્ય સંપન્ન થયા બાદ એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે દેશવાસીઓને કરેલા સંબોધનનો વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, આજે એકતા દિવસનો પર્વ આપણને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવા પ્રેરે છે. સરદાર પટેલે દેશની આઝાદી બાદ ૫૫૦ રિયાસતોને દેશ સાથે જોડી એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. આજે આ મહાન રાષ્ટ્રના નાગરિક તરીકે આપણને સૌને ગર્વની અનુભૂતિ થાય છે. જોઇપણ દેશ માટે સ્વતંત્રતા જરૂરી છે, ગણતંત્રથી દેશને સાચી દિશા મળે છે. આપણે સૌ એકતા જાળવી રાખીને દેશના બંધારણની મર્યાદામાં રહીને એક રાષ્ટ્ર તરીકે આગળ ધપવાની તાકાત મેળવી શકીએ છીએ. આપણો દેશ સ્વતંત્રતા પર્વ, ગણતંત્ર દિવસ અને એકતા દિવસના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીને દેશની એકતા વધુ ને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.
માન. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, આજનો દિવસ એટલે જનભાગીદારીથી જન ગૌરવનો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશના ઇતિહાસના એ મહાન માનવ છે જેમના વગર આજનું ભારત શક્ય નહોતું.ભારતની વિવિધતા જ તેની એકતાનો આધાર છે. આપણે તેના આધારે જ જીવ્યા છીએ અને પ્રગતિ પણ સાધી છે.સરદાર પટેલે દેશને માત્ર ભૂગોળથી જ નહીં પરંતુ ભાવનાત્મકતાનાં દોરામાં મણકાની જેમ દેશને જોડ્યો છે. સોમનાથ મંદિરનં પૂનનિર્માણ કરાવી સરદાર પટેલે દેશના સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો. આજે વૈશ્વિક મંચ પર ભારત ઝળહળી રહ્યું છે. ભારતના આર્થિક વિકાસની નોંધ લેવાય છે. કાશી વિશ્વનાથ અને રામ મંદિરના પૂનનિર્માણ થકી સાંસ્કૃતિક વિરાસત મજબૂત બનાવી છે.
સરદાર પટેલે દેશને વિકાસનો જે રાહ ચીંધ્યો હતો તેના પર આજે આપણે સૌ આગળ ધપી રહયા છીએ. આજે દેશ તેમનો ઋણી છે. ગત સાલ સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી હતી અને એ વખતે કહ્યું હતું કે, દેશને નકસલવાદ અને માઓવાદી આતંકમાંથી મુક્ત કરીશું નહીં ત્યાન સુધી શાંતિથી બેસીશું નહીં. આ સંકલ્પ પૂર્ણ કર્યો છે. નકસલવાદની કમર તોડી નાંખી છે. વર્ષ ૨૦૧૫માં દેશના ૧૨૬ જિલ્લા વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત હતા. જોકે માર્ચ-૨૦૨૬ સુધીમાં દેશ તેમાંથી મુક્ત થઇ ચુક્યો છે અને આજે એકેય જિલ્લો એવો નથી જ્યાં નકસલવાદ હોય. આ જિલ્લાઓના લોકો હવે આપણા દેશના પ્રગતિમય સમાજ જીવનના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ ચુક્યા છે. હાલ આ જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.પાણી, રસ્તા, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર વગેરેની તકો લોકોને પ્રાપ્ય બની રહી છે. આ તકે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પોતાની ફરજો બજાવનાર સુરક્ષા દળોના સર્વોચ્ચ બલિદાનને આખો દેશ યાદ કરી તેઓને નમન કરે છે. સરકારની સંવેદનશીલતા અને એકતાથી દેશનો આત્મવિશ્વાસ વધ્યો છે.

