Mumbai, તા.૨
બોલીવુડના મહાનાયક Amitabh Bachchanની સુરક્ષામાં ધમકી મળ્યા બાદ હવે વધુ વધારો કરવામાં આવ્યો છે. આજે મુંબઈના જુહુ સ્થિત તેમના નિવાસસ્થાન ‘જલસા’ની બહાર ચાહકોને મળવા આવેલા અમિતાભ બચ્ચન આ વખતે પારદર્શક બુલેટપ્રૂફ કાચની સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતા. ચાહકોનું અભિવાદન કરવાની તેમની વર્ષો જૂની રવિવારની પરંપરા તેમણે જાળવી રાખી હતી.અમિતાભ બચ્ચને ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્લેટફોર્મની આસપાસ પારદર્શક સુરક્ષા કવચ પણ લગાવવામાં આવ્યું હતું. અને તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતો. મુંબઈ પોલીસના જવાનો સ્થળ પર તહેનાત રહ્યા હતા અને ચાહકોને પણ બેરિકેડની પાછળ રાખવામાં આવ્યા હતા.આ સુરક્ષા વ્યવસ્થા ૨૩ ઑક્ટોબરે મળેલા ધમકીભર્યા ઈ-મેઇલ બાદ કરવામાં આવી છે. આ ઈ-મેઈલ બીએમસીના મેયર રિતુ તાવડેના કાર્યાલયમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં Amitabh Bachchanના જુહુ સ્થિત નિવાસસ્થાન ‘જલસા’ને ૩૧ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર વચ્ચે નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલમાં દાદર સહિતની શાળાઓ અને ગાયક દિલજીત દોસાંજના ૨૭ નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાનારા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કરાયો હતો.ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૃ કરી હતી.
મેયર કાર્યાલયની સાથે જ ધમકીમાં ઉલ્લેખ કરાયેલાં સ્થળોએ સુરક્ષા અને દેખરેખ વધારી દેવામાં આવી હતી. મેયર કાર્યાલયની તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ધમકીભર્યા મેઈલની સત્યતા, તેના મૂળ અને મોકલનારની ઓળખ જાણવાની દિશામાં હાલ તપાસ ચાલુ છે.આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અમિતાભ બચ્ચને પણ તાજેતરમાં પોતાના સ્વાસ્થ્ય અંગે પણ અપડેટ આપ્યું હતું. તેમણે બ્લોગમાં વધુ આરામ અને સ્વસ્થ થવાની જરૃર હોવાનું પણ જણાવ્યું હતું. ડૉક્ટરોએ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર નિયમિત પોસ્ટ નહીં કરે તેવી માહિતી પણ બિગબીએ ચાહકોને આપી હતી. અમિતાભ હાલમાં ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૮’નું સંચાલન કરી રહ્યા છે. બિગ બીના બુલેટપ્રૂફ શેલ અંગે લોકોએ અજબગજબની પ્રતિક્રિયા આપી હતી. કોઈએ લખ્યું હતું કે બિગ બીને મારવાથી લોકોને શું મળશે, જ્યારે બીજાએ લખ્યું હતું કે કંઈ પણ થાય પણ ટ્રેડિશન પર બ્રેક મૂકાવી જોઈએ નહીં. તો અન્યએ લખ્યું હતું કે ડર તો બધાને લાગે છે, બધા લોકોમાં ડર હોય છે.

