Anand, તા.૨
Anand જિલ્લાના બોરસદ તાલુકાના ધનાવસી ગામના કોતરમાં પશુ ચરાવવા માટે ગયેલી પ્રૌઢ મહિલાને આજે શનિવારે ભરબપોરે હત્યા કરેલી લાશ મળી આવતાં આ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેના શરીર પરથી સોના-ચાંદીના ઘરેણાં ગાયબ થઈ ગયા હતા, જેથી લૂંટના ઈરાદે આ મહિલાની હત્યા કરાઈ હોવાના અનુમાનને આધારે ભાદરણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાદરણ પોલીસમથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોરસદ તાલુકાના વાલવોડ ગામે રહેતા ૫૫ વર્ષીય મધુબેન પુનમભાઈ તળપદા નામની મહિલા આજે શનિવારે બપોરના અરસામાં આશરે ૧૨ વાગ્યાના સુમારે નજીકના ધનાવસી ગામની સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરમાં પશુઓને લઈને ચરાવવા માટે ગયા હતા. કોતર જેવી એકાંત અને નિર્જન જગ્યાનો ગેરલાભ લઈને કોઈ અજાણ્યા શખ્સે મધુબેન ઉપર અચાનક હુમલો કર્યો હતો અને મધુબેનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈને તેમની ર્નિદયતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
ત્યારબાદ હત્યારાએ મૃતકના શરીરે પહેરેલા કિંમતી દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટ કરાયેલા દાગીનામાં ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતની ચાંદીના કડલાં, ૧૪,૦૦૦ રૂપિયાની સોનાની બુટ્ટીઓ અને ૨,૦૦૦ રૂપિયાની કિંમતની ત્રણ નંગ જડ વીંટી-દાગીના મળીને કુલ ૩૬,૦૦૦ રૂપિયાની મત્તાનો સમાવેશ થાય છે. જેથી લૂંટના ઇરાદે જ આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમદર્શા રીતે જણાઈ રહ્યું છે.આ હત્યાની ઘટનાની જાણ થતાં જ કોઈકે ઈમરજન્સી હેલ્પલાઇન ૧૧૨ પર ફોન કર્યો હતો. જેને પગલે ૧૧૨ ની ઇમરજન્સી ટીમ અને ભાદરણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો મધુબેનનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં પડ્યો હતો અને શરીર ઉપરથી દાગીના ગાયબ હતા. મહિલાની હત્યા કરાઇ હોવા બાબતે પોલીસ દ્વારા પણ ઉચ્ચકક્ષાએ જાણ કરવામાં આવતાં એલસીબી એસઓજી અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
જ્યાં લોકોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. પોલીસે પ્રથમ પંચનામું કર્યું હતું. ત્યારબાદ અન્ય જરૂરી કાર્યવાહી કરીનેતેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને અજાણ્યા હત્યારા વિરુદ્ધ લુંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હત્યારા આરોપીનું પગેરું મેળવવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવી મૂક્યો છે.

