Gandhinagar,તા.૨
આગામી જાન્યુઆરીમાં યોજાનારી Vibrant Gujarat ગ્લોબલ સમિટ ૨૦૨૭ માટે રાજ્ય સરકારે વિદેશી રોકાણકારોનો સંપર્ક વધાર્યો છે. આ અંતર્ગત ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે દુબઈમાં વિવિધ ઉદ્યોગજૂથો અને રોકાણકારો સાથે બેઠકો યોજી હતી. ઓઇલ એન્ડ ગેસ, લોજિસ્ટિક્સ, નાણાકીય સંસ્થાઓ, ઉત્પાદન ક્ષેત્ર અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં રોકાણની તકો રજૂ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કર્યો હતો. કતાર અને ઓમાનમાં બેઠકો યોજ્યા બાદ પ્રતિનિધિમંડળે દુબઈમાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રવાસ દરમિયાન ત્રણેય દેશોની રોકાણ સંબંધિત સંસ્થાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું લોચન સહેરાએ જણાવ્યું હતું. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં ગુજરાત સાથે સહકાર વધારવાની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી.
દુબઈમાં ઇન્ડિયન પીપલ્સ ફોરમ યુએઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે ભારતીય ઉદ્યોગકારો અને ત્યાં વસતા ગુજરાતીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતમાં ઉદ્યોગો માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, રોકાણની તકો અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રેઝન્ટેશન બાદ પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. પ્રતિનિધિમંડળે દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. અહીં વેપાર, રોકાણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સહકારની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૭ના આયોજન પહેલાં રાજ્ય સરકારે ૨૨ દેશોમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત દેશનાં આઠ શહેરોમાં રોડ શો યોજવાનું આયોજન છે. વિદેશ પ્રવાસ દરમિયાન વિવિધ ઉદ્યોગજૂથો, રોકાણકારો, વેપારી સંગઠનો અને સરકારી સંસ્થાઓ સાથે બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૧મી આવૃત્તિ આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ વખતે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફિનટેક, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર અને અવકાશ ટેક્નોલોજી જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી. હવે આગામી સમિટ માટે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે. કતાર, ઓમાન અને દુબઈમાં યોજાયેલી બેઠકો પણ આ અભિયાનનો ભાગ છે.

