Mumbai, તા.૩
‘તનુ વેડ્સ મનુ ૩’માં નવી સ્ટારકાસ્ટ જોવા મળશે એવા અહેવાલો વચ્ચે દિગ્દર્શક આનંદ એલ. રાયે સ્પષ્ટતા કરી છે કે આર. માધવન અને Kangana Ranaut વિના આ ફિલ્મ આગળ વધી શકે નહીં. તેમના મતે, ફિલ્મનો ત્રીજો જ નહીં, ચોથો કે પાંચમો ભાગ બને તો પણ આ બંને કલાકારો તેમાં હોવા જરૂરી છે. પીટીઆઈ સાથેની વાતચીતમાં આનંદ એલ. રાયે કહ્યું હતું કે, “માધવન વિના ‘તનુ વેડ્સ મનુ’ શક્ય નથી. તેથી ફિલ્મનો ત્રીજો, ચોથો કે પાંચમો ભાગ બને, તેમાં માધવન અને કંગના જ હશે.
”અગાઉ આ ફિલ્મની ત્રીજી કડી નવી સ્ટારકાસ્ટ અને સ્વતંત્ર વાર્તા સાથે બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા હતી. આનંદ એલ. રાયે ફિલ્મોમાં વારંવાર બદલાતા ટ્રેન્ડ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે નિર્માતાઓએ પોતાની શક્તિ અને વિશેષતા ઓળખવી જોઈએ. એક જ પ્રકારનું કામ વારંવાર કરવું યોગ્ય નથી, પરંતુ જે ક્ષેત્રમાં પોતાની પકડ હોય તેમાં નવી શક્યતાઓ શોધવી જરૂરી છે.૨૦૧૧માં આવેલી ‘તનુ વેડ્સ મનુ’માં માધવન અને કંગના મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. ત્યાર બાદ ૨૦૧૫માં આવેલી ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં કંગનાએ ડબલ રોલ કર્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ૨૫૦ કરોડથી વધુ કમાણી કરી હતી અને હિન્દી સિનેમાની સફળ મહિલા-કેન્દ્રિત ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું.

