Suratતા.૪
Suratના કતારગામ વિસ્તારમાંથી હત્યાની આશંકા જન્માવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસની તપાસ દરમિયાન મૃતકનું માથું કબ્રસ્તાનથી આશરે ૩ કિલોમીટર દૂર અલકાપુરી રેલવે ટ્રેક પરથી મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ છુપાવવાના ઇરાદે તેની હત્યા કરી માથું અલગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ૩ નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન મૃતદેહનું માથું ગાયબ હોવાનું અને શરીર પર કપડાં ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસ આગળ વધારતાં મૃતકનું માથું અલકાપુરી રેલવે ટ્રેક પરથી મળી આવ્યું હતું. કબ્રસ્તાનમાં મળેલા ધડ અને રેલવે ટ્રેક પરથી મળેલા માથા વચ્ચે આશરે ૩ કિલોમીટરનું અંતર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ મૃતકની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની આસપાસ હોઈ શકે છે.
પ્રાથમિક દૃષ્ટિએ આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજાણ્યા શખ્સોએ પુરાવાનો નાશ કરવા અથવા મૃતકની ઓળખ છુપાવવા માટે માથું અલગ કર્યું હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમોએ પણ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મૃતકની હત્યા આશરે બે દિવસ પહેલાં થઈ હોઈ શકે છે. પોલીસે પંચનામું કર્યા બાદ ધડને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને સમય અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
હાલ કતારગામ પોલીસ મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન ગુમ થયેલા લોકોની વિગતો તપાસી રહી છે. આ ઉપરાંત કબ્રસ્તાન અને નજીકના વિસ્તારોના ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. મૃતકની ઓળખ, હત્યા પાછળનું કારણ અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

