પત્ની સાથેના ઘરેલુ વિવાદમાં ખૂની ખેલ ખેલ્યો હોવાનો આરોપ; મૃતદેહો અલગ-અલગ સ્થળે ફેંક્યાની આશંકા
Bengaluru, તા.૬
દિવાળીના તહેવાર ટાણે Bengaluruમાંથી સામૂહિક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પત્ની સાથેના ઘરેલુ વિવાદને પગલે એક કેબ ડ્રાઇવરે પોતાની પત્ની સહિત સાસરી પક્ષના સાત સભ્યોની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ઈન્દુ શેખરની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે, અત્યાર સુધી પોલીસને માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, આરોપી કેબ ડ્રાઇવર ઈન્દુ શેખર તેની પત્ની સુનિતાના વર્તનથી નારાજ હતો. પત્ની સતત પિયરિયાંના સંપર્કમાં રહેતી હોવાને કારણે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આ બાબતે આરોપીએ સાસરી પક્ષના સભ્યો સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, સાસરી પક્ષે પત્ની સુનિતાનો પક્ષ લેતાં આરોપી વધુ ઉશ્કેરાયો હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટનામાં મૃતકોમાં આરોપીની પત્ની સુનિતા, સાસુ રૂપાવતી, સાળા શિવકુમાર અને શંકર, બે ભાભી દિવ્યા અને નલિની તથા શિવકુમારનો સાત વર્ષનો પુત્ર પુનિતનો સમાવેશ થાય છે. આ તમામની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાકાંડ પૂર્વઆયોજિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીએ સૌપ્રથમ પત્નીની હત્યા કર્યા બાદ બંને સાળાઓને પાર્ટી આપવાના બહાને ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ તેમની પણ હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત બંને સાળાઓની પત્નીઓ, સાસુ અને સાત વર્ષના બાળકને પણ મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આરોપ છે.
તપાસ દરમિયાન હત્યામાં સિલબટ્ટાના પથ્થરનો ઉપયોગ થયો હોવાની પોલીસને આશંકા છે. હત્યા બાદ મૃતદેહોને પોતાની કારમાં અલગ-અલગ સ્થળોએ લઈ જઈને ફેંકી દીધા હોવાની તેમજ ઘટનાસ્થળે લોહીના નિશાન દૂર કરવા રસાયણોનો ઉપયોગ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી રહી છે.
શ્રીરામપુરા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ અલગ-અલગ નિવેદનો આપતાં પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સાત લોકોની હત્યાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.
બીજી તરફ, નંદી હિલ્સની તળેટી પાસે આશરે ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સાત વર્ષના બાળક પુનિતનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય છ મૃતદેહોની શોધખોળ માટે પોલીસની ટીમો કામે લાગી છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ વધુ તેજ બનાવી છે. હત્યામાં વપરાયેલાં સાધનો, મૃતદેહોને અલગ-અલગ સ્થળે લઈ જવા પાછળની વિગતો અને અન્ય સંભવિત પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સાત લોકોની હત્યાના આક્ષેપે બેંગલુરુ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

