New Delhi, તા.૫
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની લાયકાતને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અવલોકન કર્યું છે. દેશના સર્વોચ્ચ ન્યાયાલયે એવા કાયદાઓની પ્રસ્તુતતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જે બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની (પંચાયત કે નગરપાલિકા) ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બદલાતી વસ્તી વિષયક સ્થિતિ અને ભારતમાં ઘટી રહેલા પ્રજનન દરને ધ્યાનમાં રાખતાં આવા કાયદાઓ પાછળનો મૂળ તર્ક હવે અપ્રસ્તુત થઈ ગયો છે.કઠોર વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “ભારતમાં પ્રજનન દરમાં સતત થઈ રહેલા ઘટાડા અને બદલાતા વસ્તી વિષયક સમીકરણોને જોતાં, બેથી વધુ બાળકો હોવાને કારણે વ્યક્તિઓને અયોગ્ય ઠેરવતા આવા કાયદાઓ પર પુનર્વિચાર કરવાની તાતી જરૂરિયાત છે.”આ અવલોકનને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ૨૦૦૩ના જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય કેસને એક મોટી બેંચ સમક્ષ મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૩માં ત્રણ ન્યાયાધીશોની બેંચે હરિયાણા પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ ની બંધારણીય માન્યતાને યથાવત રાખી હતી, જેના હેઠળ બેથી વધુ જીવિત બાળકો ધરાવનાર વ્યક્તિને સ્થાનિક ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવામાં આવતી હતી.જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતાં કાકોડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મંગલા ભીમરાવ પર લાદવામાં આવેલી અયોગ્યતાને પણ રદ કરી દીધી છે. મંગલા ભીમરાવને તેમના ત્રીજા બાળકના જન્મ બાદ મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ, ૧૯૫૯ ની કલમ ૧૪(૧)(દ્ઘ-૧) હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ૧૯૫૯ના આ કાયદામાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ એક સુધારા દ્વારા બેથી વધુ બાળકો ધરાવનાર ઉમેદવાર માટે અયોગ્યતાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસને મોટી બેંચ સમક્ષ મોકલવાના નિર્ણયથી દેશના અનેક રાજ્યોના પંચાયતી રાજ કાયદાઓ પર વ્યાપક અસર પડી શકે છે. હાલમાં દેશના અનેક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે ‘બે બાળકોની નીતિ’ અમલમાં છે. સર્વોચ્ચ અદાલતના આ વલણથી ભવિષ્યમાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા રાહતના સમાચાર આવી શકે છે.

