મેરઠ, તા. ૬
Uttar Pradeshના મેરઠમાં પ્રેમસંબંધના કરુણ અંજામની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાનાં લગ્ન અન્ય યુવક સાથે નક્કી થઈ રહ્યાં હોવાની જાણ થતાં નારાજ થયેલા પ્રેમીએ યુવતીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ યુવતીનો મૃતદેહ જંગલ વિસ્તારમાં ફેંકી દઈ આરોપીએ પોતે જ પોલીસ ઇમરજન્સી નંબર ૧૧૨ પર ફોન કરીને ગુનાની જાણ કરી હતી. પોલીસે આરોપી ફિરોઝને કસ્ટડીમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીની ઓળખ સમરીન તરીકે થઈ છે. તે મેરઠની શૌકત કોલોનીમાં રહેતી હતી અને લિસાડી ગેટ પોલીસ મથકની હદમાં તેનો પરિવાર વસવાટ કરતો હતો. સમરીન ફતેહઉલ્લાપુર વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. ગુરુવારે સવારે તેનો નાનો ભાઈ રોજિંદા ક્રમ મુજબ તેને નોકરી પર મૂકવા ગયો હતો. દરમિયાન તેના પ્રેમી ફિરોઝે તેને મળવા માટે ફોન કરતાં સમરીન તેને મળવા પહોંચી હતી. મેરઠના એસપી સિટી વિનાયક ગોપાલ ભોસલેના જણાવ્યા અનુસાર, ફિરોઝ અને સમરીન વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. ફિરોઝ સમરીન સાથે લગ્ન કરવા માગતો હતો અને તેના પર લગ્ન માટે દબાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
આ દરમિયાન સમરીનનાં લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરવામાં આવી રહ્યાં હોવાની જાણ ફિરોઝને થઈ હતી. આ વાતને લઈને તે નારાજ હતો અને બંને વચ્ચે તણાવ વધ્યો હતો.
ગુરુવારે બંને મળ્યાં ત્યારે લગ્નના મુદ્દે ફરી એકવાર વિવાદ થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતાં ફિરોઝે સમરીનનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. ત્યારબાદ આરોપીએ મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દીધો હતો.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા બાદ આરોપીએ પોતે જ પોલીસ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ પર ફોન કર્યો હતો. તેણે પોલીસને સમરીનની હત્યા કરી હોવાની જાણ કરી અને મૃતદેહ કયા સ્થળે પડ્યો છે તેની માહિતી આપી હતી.
માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરતાપુર નજીકથી આરોપી ફિરોઝને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સમરીનનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

