આલેખનઃવિનોદ માછી નિરંકારી
દુર્ગુણોના વિનાશ-આત્મશુદ્ધિ અને સદગુણોના સંવર્ધનનો આધ્યાત્મિક સંદેશ
ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર પાછળ ધાર્મિક-પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્ય સમાયેલું છે. આપણા તહેવારો માત્ર આનંદ-ઉલ્લાસ કે પરંપરાગત વિધિઓ પૂરતા સીમિત નથી પરંતુ માનવજીવનને શુદ્ધ-પવિત્ર અને સદાચારમય બનાવવાની પ્રેરણા પણ આપે છે. આવું જ એક પવિત્ર પર્વ એટલે કાળીચૌદશ, તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પર્વ અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું-અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું અને દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણો અપનાવવાનું પ્રેરણાપર્વ છે.
કાળીચૌદશ આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાની ઉપાસના, હનુમાનજીની પૂજા, દીપદાન તથા અભ્યંગસ્નાન જેવી વિવિધ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.મહાકાળી માતાનું ઉગ્ર સ્વરૂપ અધર્મ, અન્યાય, અહંકાર અને આસુરી વૃત્તિઓના વિનાશનું પ્રતીક છે,તેમની ઉપાસના આપણને સાહસ, નિર્ભયતા, શક્તિ અને ધર્મનિષ્ઠાના ગુણો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.
નરકાસુરનો વધ અને આધ્યાત્મિક સંદેશ..Kali Chaudash સાથે જોડાયેલી પૌરાણિક કથા નરકાસુરના વધની છે. શ્રીમદ્? ભાગવત મહાપુરાણના દશમ સ્કંધમાં વર્ણવ્યા અનુસાર પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર શક્તિશાળી હોવા છતાં અહંકાર અને અત્યાચારના માર્ગૅ આગળ વધ્યો હતો, તેણે અનેક રાજકન્યાઓનું અપહરણ કરીને તેમને બંદી બનાવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે સત્યભામાજી સાથે યુદ્ધ કરીને નરકાસુરનો વધ કર્યો અને બંદી બનાવેલી રાજકન્યાઓને મુક્ત કરાવી હતી.આ વિજયની સ્મૃતિમાં લોકોએ દીપ પ્રગટાવીને આનંદોત્સવ મનાવ્યો.
આ કથાનું આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો નરકાસુર માત્ર એક પૌરાણિક પાત્ર નથી પરંતુ માનવીના અંતરમાં રહેલા અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર જેવા દુર્ગુણોનું પ્રતીક છે. જ્યારે આ વૃત્તિઓ માનવી પર પ્રભુત્વ જમાવે છે ત્યારે તેનું જીવન નરક સમાન બની જાય છે, તેથી નરકાસુરનો વધ એટલે પોતાના અંતરમાં રહેલી આસુરી વૃત્તિઓનો નાશ કરવાનો સંકલ્પ.
ભગવદ્ ગીતામાં નરકનાં ત્રણ દ્વાર બતાવ્યાં છે..ભગવદ્? ગીતાના અધ્યાયઃ૧૬/૨૧માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કામ-ક્રોધ અને લોભ એ આત્માના અધઃપતનનાં ત્રણ દ્વાર છે. કામ-ક્રોધ અને લોભ આત્માના નાશનાં ત્રણ દ્વાર છે તેથી મનુષ્યે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. કામનાની અતિશયતા મનુષ્યને અશાંત બનાવે છે, ક્રોધ તેની બુદ્ધિનો નાશ કરે છે અને લોભ તેને અનીતિના માર્ગૅ દોરી જાય છે, આથી સંતોષ, ક્ષમા, પ્રેમ, દયા અને પરોપકાર જેવા ગુણો અપનાવીએ તો જીવનમાં સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.
કાળીચૌદશના દિવસે વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ લોકપરંપરાઓનું પાલન થાય છે. ગુજરાતમાં ખીર, વડા, પૂરી જેવી વાનગીઓ બનાવવાનો રિવાજ છે, કેટલીક જગ્યાએ હનુમાનજીને તેલ ચઢાવવાની તથા દીપ પ્રગટાવવાની પરંપરા પણ છે. અભ્યંગસ્નાન દ્વારા શરીરની સ્વચ્છતા અને તાજગીનું મહત્વ સમજાવવામાં આવે છે પરંતુ શરીરની સ્વચ્છતાની સાથે મનની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. મનમાં ઈર્ષ્યા, દ્વેષ, કપટ અને અભિમાન ભરેલાં હોય તો બાહ્ય સ્વચ્છતા અધૂરી છે. સાચી કાળીચૌદશ ત્યારે જ ઉજવાય જ્યારે આપણે આળસ, વ્યસન, નકારાત્મકતા અને ખરાબ આદતોનો ત્યાગ કરીને સદાચારપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ કરીએ.
શક્તિનો સાચો ઉપયોગ અને માનવતા.. શક્તિનો ઉપયોગ બીજાને પીડા પહોંચાડવા માટે થાય તો તે આસુરી વૃત્તિ છે, જ્યારે નિર્બળના રક્ષણ, અન્યાયના પ્રતિકાર અને માનવકલ્યાણ માટે થાય ત્યારે તે કલ્યાણકારી બને છે.મહાકાળી માતાનું સ્વરૂપ આપણને શીખવે છે કે અન્યાય સામે નિર્ભયતાથી ઊભા રહેવું, સ્ત્રીનું સન્માન કરવું અને સત્યના માર્ગૅ અડગ રહેવું એ જ શક્તિની સાચી ઉપાસના છે.
સાચી કાળીચૌદશ એટલે અંતરના અંધકારનો નાશ..આપણે આ પર્વે માત્ર ઘરની સફાઈ જ નહીં પરંતુ મનની સફાઈ કરવાનો પણ સંકલ્પ કરીએ. અજ્ઞાન, અહંકાર, દ્વેષ અને સ્વાર્થના અંધકારને દૂર કરવા આત્મજ્ઞાનનો દીવો પ્રગટાવીએ. જીવનમાંથી દુર્ગુણોનો નાશ થાય, સદ્?ગુણોનો વિકાસ થાય, અહંકારના સ્થાને નમ્રતા અને દ્વેષના સ્થાને પ્રેમ આવે ત્યારે જ કાળીચૌદશની ઉજવણી સાચા અર્થમાં સાર્થક બને છે. આ કાળીચૌદશે સંકલ્પ કરીએ કે બીજાના જીવનમાં અંધકાર ફેલાવવાને બદલે પ્રકાશ પાથરીશું, દુઃખ આપવાને બદલે સુખ આપીશું અને આસુરી વૃત્તિઓનો ત્યાગ કરીને દૈવી ગુણોથી સંપન્ન જીવન જીવીશું. અનિષ્ટનો નાશ-ઇષ્ટની પ્રાપ્તિ અને આત્મશુદ્ધિનો સંદેશ આપતું આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સદબુદ્ધિ અને સદ્?ભાવનાનો પ્રકાશ ફેલાવે એવી શુભકામનાઓ.

