Srinagar, તા.૯
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત સુરક્ષાદળોને સફળતા મળી છે. કુલગામ જિલ્લામાં ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ આતંકી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ચીનમાં નિર્મિત એક પિસ્તોલ, દારૂગોળો અને હેન્ડ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યાં છે. સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (ર્જીંય્) દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તહિર બિલાલ અને મુનીબ યાસીન નામના બે યુવકો કુલગામ તરફ હથિયારો સાથે જઈ રહ્યા હતા ત્યારે સુરક્ષાદળોએ તેમને ઝડપી લીધા હતા. તેમની પાસેથી હથિયારો મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે. જપ્ત કરાયેલાં હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બંનેની આતંકવાદી સંગઠનો સાથેની સંભવિત સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, શ્રીનગરના લાલચોક વિસ્તારમાં આવેલા પ્રતાપ પાર્કની દિવાલ પર ચાર વોન્ટેડ આતંકીઓ અંગે માહિતી આપવા અપીલ કરતાં બેનર લગાવવામાં આવ્યાં હતાં. આ બેનરમાં સ્થાનિક લોકોને આતંકીઓના ઠેકાણા અથવા તેમની હિલચાલ અંગે માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. માહિતી આપનારને ઇનામ આપવાની સાથે તેની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી છે.
વોન્ટેડ આતંકીઓમાં મોહમ્મદ લતીફ ભટ, બિલાલ અહમદ મીર, મોહમ્મદ ઉમર મીર અને આબિદનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, મોહમ્મદ લતીફ ભટ જુલાઈ મહિનામાં અનંતનાગમાં પોલીસકર્મીની હત્યાની ઘટનામાં સંડોવાયેલો હોવાનો આરોપ છે.
સુરક્ષાદળો આ ચારેયની શોધખોળ કરી રહ્યાં છે. કુલગામમાં બે શંકાસ્પદોની ધરપકડ અને શ્રીનગરમાં વોન્ટેડ આતંકીઓ અંગે માહિતી મેળવવાની અપીલ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી છે.

