યુવકને બચાવવા વચ્ચે પડેલા પિતરાઈને પણ લમધાર્યો, ભાભીને ગાળો ભાંડી
Rajkot તા.૧૩ઃ
શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ પર આવેલા વિશ્વેશ્વરનગર ક્વાર્ટરમાં રીક્ષાચાલક યુવાનને બે હિસ્ટ્રીશીટરો પાઇપ વડે બેફામ માર માર્યો હતો. હિસ્ટ્રીશીટરને રીક્ષાચાલક યુવાનના મિત્રની બહેન સાથે સંબંધ હોય જેથી યુવાને મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા નામીચા શખ્સોએ હુમલો કર્યો હતો. બંને શખ્સોએ યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના પિતરાઈને પણ ફટકાર્યો હતો અને ભાભીને ગાળો ભાંડી હતી.
અમરનગર શેરી.નં.૦૧ માં રહેતાં સંજયભાઈ દિનેશભાઈ માત્રાણી (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઘટલો ઉર્ફે રાજ પંડ્યા અને હાર્દિક ઉર્ફે કાળિયોનું નામ આપી જણાવ્યું હતું. વિશ્વેશ્વરનગરના ક્વાર્ટર ચંદ્રેશનગર મે.રોડ ખાતે મામા કમલેશભાઈ ગુપ્તાના ઘરે હતો. ત્યારે એક મો.નં.૯૭૨૩૫૬૨૦૦૨ પરથી ફોન આવેલ અને કહેલ કે, હું ઘટલો બોલુ છુ કહી ગાળો આપવા લાગેલ કે, મારી સાથે વાત કેમ કરતો નથી. જેથી તેમને કહેલ કે, તુ મારા મીત્રની બહેન સાથે સંબંધ રાખે છે, તે મને ગમતુ નથી, જેથી મારે તારી સાથે સંબંધ રાખવો નથી. જેથી ઘટલાએ ફોન કટ કરી નાખેલ હતો.ત્યારબાદ યુવક મામાના ઘરે જ હતો.
ત્યારે રાતના આસરે પોણા નવેક વાગ્યાની આસપાસ ઘટલો ઉર્ફે રાજ પંડયા તથા તેનો મીત્ર હાર્દિક ઉર્ફે કાળીયો વિશ્વેશ્વરનગરના ક્વાર્ટર ખાતે ધસી આવેલ અને યુવકને ઘરની બહાર બોલાવી બોલાચાલી કરવા લાગેલ અને ગાળો કાઢી ઢીકાપાટુનો માર આ બંન્ને શખ્સો મારવા લાગેલ હતાં. જેથી યુવકે દેકારો કરવા લાગતા મામાનો દિકરો હિરેન તથા ભાભી નેન્સીબેન બંને જણા બહાર આવીને તેમને છોડાવવા માટે વચ્ચે પડતા આ ઘટલો ઉર્ફે રાજે તેની પાસે રહેલ લોખંડના પાઈપથી મામાના દિકરા હિરેનના સાથળના ભાગે એક ઘા મારી દિધેલ અને ભાભીને ગાળો આપવા લાગેલ હતા.આ વખતે માણસો ભેગા થતા ગાળો બોલતા બોલતા જતા રહેલ હતા. જે બાદ યુવક પરિજન સાથે પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા આવેલ હતાં. જે બનાવની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

