શટરની બાજુની સીડીએથી પ્રવેશ કરી કાર્બાઈડ રોડ, કટીંગ રોડ અને મોબાઈલ ઉઠાવી ગયા
Rajkot તા.૧૩ઃ
રાજકોટ શહેરની ભાગોળે આવેલ કાંગશિયાળી નજીક કારખાનામાંથી દિવાળીની રજા દરમિયાન તસ્કરો રૂ. ૧૫ લાખની મતા ચોરી ગયા હતા. શટરની બાજુમાં આવેલી સીડીએથી બે શખ્સોએ કારખાનામાં પ્રવેશ કરી કાર્બાઈડ રોડ, કટીંગ રોડ અને મોબાઇલ સહીતની મતા ઉઠાવી જતાં શાપર(વેં.) પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી હતી.
મૂળ અમરેલીના ભોજલપરાના વતની અને હાલ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સુરભી રેસીડેન્સીમાં રહેતા ૨૪ વર્ષીય યુવાન કારખાનેદાર મિતાંશુ અશોકભાઈ નાકરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ-ગોંડલ નેશનલ હાઇ-વે પર કાંગશીયાળી નજીક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે મેકલેન પ્રીસીજન પ્રા.લી. નામે કંપની ચલાવું છું. ગત તા.૦૮/૧૧/૨૦૨૬ ના રોજ દિવાળીનો તહેવાર હોય જેથી ગઇ તા.૦૬/૧૧/૨૦૨૬ ના રોજ સાંજના પાંચ વાગ્યે અમારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તા.૧૪/૧૧/૨૦૨૬ સુધી રજા આપી દીધેલ અને મારા પિતા તથા મારા નાના ભાઇએ સાંજના છ વાગ્યે અમારી કંપનીના મેઇન ગેઇટનું શટર બંધ કરી બંને અમારા વતનમાં અમરેલી જતાં રહેલ હતા. હું અગાઉથી મારા માતા તથા મારી પત્ની સાથે વતનમાં જતો રહેલ હતો.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૧૧/૧૧/૨૦૨૬ના રોજ હું મારા વતનમાં હતો. દરમિયાન સાંજના ચાર વાગ્યે મારા નાનાભાઈએ પોતાના મોબાઇલમાં કંપનીના કેમેરા જોયેલ તો પાછળનું શટર ખુલ્લુ જોવા મળ્યું હતું. જે અંગે તેણે મને વાત કરતા મે કંપનીના કેમેરા રિવાઇન્ડ કરીને જોતા તા.૧૦/૧૧/૨૦૨૬ના રોજ વહેલી સવારના ચાર વાગ્યે બે શખ્સો અમારી કંપનીના શટરની બાજુમાં આવેલ સીડીએથી ઉપર ચડતા હોય તથા પાછળનું શટર જેમાં તાળુ દીધેલ ન હોય જે શટર ખોલી એક શખ્સ અંદર આવ્યો હતો અને ઓફીસ તથા મશીન રૂમમાંથી ચીજવસ્તુ લેતો હોય તેવુ જોવા મળ્યું હતું. જેથી હું તથા મારો નાનો ભાઈ, મારા ફઇનો દિકરો ગૌરવ અશોકભાઇ બરવાળીયા અમરેલીથી ફોરવ્હીલ લઇને અમારી કંપની ખાતે દોડી આવ્યા હતા.
કંપનીનું મેઇન શટર ખોલી અંદર જોતા પાછળનું શટર ખુલ્લુ હતુ અને અમારી કંપની દ્રારા કાર્બાઇડમાંથી વી.એમ.સી. મશીનના ટુલ્સ બનાવવામાં આવતા હોય જે કાર્બાઈડ રોડનો સ્ટોક ચેક કરતા ૩ એમ.એમ. થી ૧૮ એમ .એમ. ના અલગ અલગ માપના કુલ ૧૫૭ રોડ ઓછા મળી આવ્યા હતા. કર્ટીગ રોડના ટુકડા આશરે ૧૫ કીલો ગ્રામ જોવા મળેલ નહી તથા ઓફીસના ડ્રોવરમાં રાખેલ ઓપો કંપનીનો એક એન્ડ્રોઇડ મોબાઇલ મળેલ નહી. જેથી અમારી કંપનીમાંથી કાર્બાઇડના રોડ તથા કટીંગ રોડના ટુકડા આશરે રૂ. રૂ.૧૫ લાખ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૫,૦૫,૦૦૦ ની ચોરી થઇ ગયા અંગે યુવાને શાપર(વેં.) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

