Ahmedabad,તા.૧૪
કારતક માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોમાં રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. રાજ્યનાં ૯થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. વડોદરા ૧૬.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે નલિયામાં ૧૭ ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં ૧૮ ડિગ્રી તથા અમદાવાદમાં ૧૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં ૧૯ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૯.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતાં ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. એટલે કે હાલ જે પ્રમાણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેવો જ માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ શકે છે. ૧૫ નવેમ્બરે ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાત્રિના તાપમાનમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
દરમિયાન બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આ સિસ્ટમ ૧૪ નવેમ્બરે વધુ મજબૂત લો-પ્રેશર બનશે અને ૧૫ નવેમ્બરની આસપાસ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારબાદ ૧૬ નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ સિસ્ટમની ગુજરાતના હવામાન પર સીધી અસર અંગે હાલ કોઈ સ્પષ્ટ આગાહી કરવામાં આવી નથી.
હવામાનના લાંબા ગાળાના અનુમાન પ્રમાણે ૨૦ નવેમ્બર બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી શકે છે. ડિસેમ્બરના અંતથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. જોકે, અલ નીનોની અસરને કારણે આ વર્ષે કડકડતી ઠંડીના દિવસોની સંખ્યા ઓછી રહી શકે છે. હાલ તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં શિયાળો કેવો રંગ બતાવે છે તેના પર સૌની નજર રહેશે.

