Junagadh,તા.૧૪
Junagadhમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ સતત બીજા દિવસે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી છે. ૧૪ નવેમ્બરે ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગર, સિંધી સોસાયટી અને બ્રજવિહાર સોસાયટી સહિત ચાર સ્થળે બુલડોઝર ફેરવીને અંદાજે રૂ.૨ કરોડની કિંમતની ૧,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ સાથે બે દિવસમાં તંત્રએ કુલ રૂ.૮ કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે.
પ્રાંત અધિકારી વૃશાલી કામલેએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૯ વાગ્યાથી ગાંધીગ્રામ વિસ્તારની કુલ પાંચ જગ્યાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, પાંચ પૈકી વીરભાઈ પારેડા ખાતે માનવીય કારણોસર હાલ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે. બાકીનાં ચાર સ્થળે સઘન કામગીરી કરીને આશરે ૧,૫૦૦ ચોરસ મીટર જમીન પરનાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં.
તંત્રના જણાવ્યા અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી થયેલાં ગેરકાયદેસર દબાણો સામે અગાઉથી કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. આ અંગેની પ્રક્રિયા છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી. કોર્ટના આદેશ બાદ શનિવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પહેલાં શુક્રવારે મોહબ્બત મકબરા પાછળ આવેલા બુગદા વિસ્તારમાં પણ મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અહીં ૧૦થી ૧૫ વર્ષ જૂનાં ૨૨ કાચાં-પાકાં મકાનો તોડી પાડીને આશરે ૧,૪૨૫ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત રૂ.૬ કરોડ હોવાનું જણાવાયું હતું.
આમ, Junagadhમાં બે દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં થયેલી કાર્યવાહીથી અંદાજે રૂ.૮ કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.

