(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૪ઃ
Jamnagarમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઠગબાજોએ સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય સરકારી તપાસ એજન્સીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ૬૩ વર્ષના નિવૃત્ત બેન્ક કર્મચારીને ડિજિટલ ધરપકડનો ભય બતાવી રૂ. ૪૨.૨૫ લાખની રકમ પડાવી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયેશ પરશોત્તમભાઈ ઓઝાએ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, Jamnagarના કિસાન ચોક વિસ્તારમાં દ્વારકાપુરી મંદિર સામે બ્લોક નંબર-૨માં રહેતા અને વર્ષ ૨૦૧૮માં બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જયેશ પરશોત્તમભાઈ ઓઝા (ઉ.વ. ૬૩)ના મોબાઇલ ફોન પર ગત તા. ૧૦-૧૦-૨૦૨૬ના રોજ સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમના સાળાના ફોન પર ફોન આવશે તેમ કહી કોલ કટ કર્યો હતો. ત્યારબાદ અન્ય મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી પોતે રાહુલ કુલકર્ણી, ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખ આપી હતી.
આ શખ્સે ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારા આધારકાર્ડ પરથી એક સીમકાર્ડ લેવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અનેક લોકોના બિભત્સ ફોટા અને વીડિયો મોકલવા તેમજ ગેરકાયદે જાહેરાતો મોકલી લોકોને હેરાન કરવા માટે થયો છે. આથી ફરિયાદીએ પોતે આવું કોઈ કૃત્ય કર્યું નથી તેમ જણાવતાં ઠગબાજોએ તેમને અલગ રૂમમાં રહેવાની અને કોઈને આ બાબતની જાણ નહીં કરવાની સૂચના આપી હતી. જો અન્ય કોઈને જાણ કરશે તો નેશનલ સિક્યુરિટીનો ભંગ ગણાવી ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.
આટલું જ નહીં, ફરિયાદીના આધારકાર્ડ અને અન્ય વિગતોનો ઉપયોગ કરી સીમકાર્ડ લેવામાં આવ્યું હોવાની વાત કરી મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં આશરે ૨૦ જેટલા લોકો સામે ગુનો નોંધાયો હોવાનું જણાવી ફરિયાદીને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું કહી ભયભીત કર્યા હતા.
ત્યારબાદ ઠગબાજોએ ફરિયાદીને આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો મેળવી તપાસના નામે નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા માટે બેંકમાં રહેલી રકમ તપાસ માટે મોકલવી પડશે અને તપાસ પૂર્ણ થયા બાદ પરત મળી જશે તેવી ખાતરી આપી હતી.
ફરિયાદીના જણાવ્યા મુજબ, ઠગબાજોએ તેમને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગના ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા અન્ય સંસ્થાઓના નામે ખોટા દસ્તાવેજો અને નોટિસો મોકલી હતી. આ ઉપરાંત એક અજાણ્યા વ્યક્તિના નામે ફોન કરાવી ધાકધમકી આપવામાં આવી હતી.
આ રીતે અલગ અલગ તબક્કે ફરિયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જેમાં તા. ૧૨-૧૦-૨૦૨૬ના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ. ૩,૧૫,૦૦૦ની માગણીના નામે રકમ ટ્રાન્સફર કરાવવા દબાણ કરાયું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. ત્યારબાદ અન્ય બેંક ખાતાઓમાં પણ રૂ. ૧૦ લાખ અને રૂ. ૧૭ લાખ સહિતની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં ફરિયાદીને કુલ રૂ. ૪૨,૨૫,૦૦૦ની ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આશરે પંદર દિવસ સુધી ઠગબાજો સતત ફોન અને વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં રહ્યા હતા અને વધુ નાણાંની માગણી કરતા હતા. અંતે ફરિયાદીને શંકા જતાં તેમણે પરિવારજનો અને સંબંધીઓ સાથે વાતચીત કરી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ઓનલાઇન નાણાકીય વ્યવહારો અને ઠગાઈમાં સંડોવાયેલા શખ્સોની તપાસ હાથ ધરી છે.

