અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ૧૧ કેસ નોંધાયા; રૂ. ૫૨,૨૦૦ની કિંમતનો ૨૬૧ લિટર દેશી દારૂ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩ઃ
જામનગર જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરોને નિશાન બનાવી મેગા પ્રોહિબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ ૧૧ કેસ નોંધ્યા હતા અને રૂ. ૫૨,૨૦૦ની કિંમતનો ૨૬૧ લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાલપુર વિભાગનાં મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવ (આઈ.પી.એસ.)ની સીધી રાહબરીમાં આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એલ. બારસીયા, સિક્કા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ. ગઢવી તથા પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ધાંધલીયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સંયુક્ત રીતે વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરી લિસ્ટેડ બુટલેગરોના રહેણાંક સહિતના સંભવિત સ્થળોએ ઓચિંતી તપાસ અને દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવતાં કુલ ૧૧ પ્રોહિબિશન કેસ નોંધવામાં આવ્યા હતા. પોલીસે રૂ. ૫૨,૨૦૦ની કિંમતનો કુલ ૨૬૧ લિટર દેશી દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક સ્થળોએ પોલીસની તપાસ દરમિયાન કોઈ વાંધાજનક મુદ્દામાલ મળી નહીં આવતાં નીલ રેઇડ રહી હતી.
ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયેલી આ મેગા પ્રોહિબિશન ડ્રાઇવને પગલે મેઘપર (પડાણા) પંથકના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

