Tehran, તા.18
મધ્ય પૂર્વમાં છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાના કૂટનીતિક પ્રયાસો વચ્ચે અમેરિકા અને ઈરાન ફરી એકવાર સૈન્ય મોરચે સામ-સામે આવી ગયા છે. બહેરીનમાં અમેરિકન સૈન્ય રડાર સિસ્ટમ પર ઈરાનના હુમલાના દાવા બાદ અમેરિકાએ વળતો પ્રહાર કરતા હોર્મુઝમાં સ્થિત ઈરાનના કેશમ દ્વીપ પર મિસાઈલ લોન્ચ સાઈટને નિશાન બનાવી છે.
અમેરિકન સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકન લડાકુ વિમાનોએ કેશમ દ્વીપ સ્થિત ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના મિસાઈલ લોન્ચ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો.
અમેરિકન સૈનિકો અને ઠેકાણાઓ પર ઈરાનની આક્રમક ગતિવિધિઓના જવાબમાં આ કાર્યવાહી કરાઈ છે. જોકે, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં કોઈ માળખાકીય નુકસાન થયું નથી.
આ અગાઉ ઈરાનના IRGC એ દાવો કર્યો હતો કે તેણે બહેરીનના શેખ ઈસા એરબેઝ પર અમેરિકન રડાર સિસ્ટમને નિશાન બનાવી છે. બીજી તરફ બહેરીને આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનું જણાવી કોઈ જાનહાનિ કે નુકસાન ન થયાની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે બહેરીનમાં અમેરિકન નૌકાદળના પાંચમા બેડાનું મુખ્ય મથક આવેલું છે.

