New Delhi તા. 18
આગામી દિવસોમાં ફુગાવાનું દબાણ સતત વધતું રહેશે અને તેના કારણે રિઝર્વ બેંક માટે હવે ડિસેમ્બર માસમાં મળનારી વ્યાજદરની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે તેવી ધારણા છે અને આરબીઆઇ વ્યાપાર ધંધાને એક મોટો આંચકો આપી શકે છે.
આરબીઆઇએ અગાઉ 25 બેઝીસ પોઇન્ટનો વ્યાજદર વધારો કર્યો હતો. પરંતુ તા. 2 થી 4 ડિસેમ્બરના મળનારી આરબીઆઇની છ સભ્યોની મોનીટરી પોલીસી કમીટીની બેઠકમાં રીઝર્વ બેંક વ્યાજદરમાં 50 થી 75 બેઝીસ પોઇન્ટનો વધારો કરી શકે છે.
આ મંતવ્ય દેશના ટોચના અર્થશાસ્ત્રીઓએ આપ્યું હતું અને નવો વ્યાજદર 6 થી 6.25 ટકા રહી શકે છે. તેના કારણે હોમલોન, ઓટો લોન, પર્સનલ લોન સહિતની તમામ બેંક લોનના વ્યાજદરમાં મોટો વધારો થશે.
ગઇકાલે જ જાહેર થયેલા જથ્થાબંધ ફુગાવાનો દર 12 ટકા પહોંચી ગયો હતો અને છુટક ફુગાવો પણ આરબીઆઇના મહતમ સ્વીકાર્ય 6 ટકાના દરથી આગળ વધી રહ્યો છે. આગામી દિવસોમાં અલનીનોની અસરના કારણે જે રીતે વરસાદ ઘટયો છે અને ખરીફ પાકને અસર થઇ છે તથા રવિ પાકને પણ અસર થઇ શકે છે.
તેથી બજારમાં ખાદ્ય સહિતની ચીજોનો ભાવ વધારો સતત આગળ વધશે તે નિશ્ચિત છે અને રીઝર્વ બેંક બજારને દબાણમાં લાવવા વ્યાજદર વધારીને ફુગાવાને કાબુમાં રાખવા પ્રયત્ન કરી શકે છે. જો 50 થી 75 બેઝીસ પોઇન્ટનો વ્યાજદર વધારો થાય તો બેન્ક લોનધારકો માટે આંચકો હશે. જોકે અર્થશાસ્ત્રીઓ માને છે.
આરબીઆઇ એકીસાથે 50 કે 75ના બદલે 25 બેઝીસ પોઇન્ટ વધારો કરીને પરિસ્થિતિ જોશે અને ત્યારબાદ વધુ એક વખત પોલીસી બેઠકની રાહ જોયા વગર તે વ્યાજદર વધારો કરી શકે છે.
આમ ફરી એક વખત દેશમાં વ્યાજ દર વધારાનો હાવ શરૂ થઇ ગયો છે અને વાસ્તવિક રીતે અમલમાં આવતા લોકોના બેન્ક લોનના હપ્તાની રકમ વધી જશે અને લોનની અવધિ પણ વધી જશે.

