Jaipur તા, 18
અભિનેતા સની દેઓલ અભિનીત અને ચર્ચામાં રહેલી નવી ફિલ્મ `સૂર્યા – અંત સે આરંભ તક’ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજસ્થાન હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસેથી સત્તાવાર મંજૂરી કે સર્ટિફિકેટ મેળવ્યા વિના આ ફિલ્મને કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા પર રિલીઝ કરવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. અદાલતના આ કડક આદેશથી ફિલ્મ નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ સમીર જૈને આ આદેશ જારી કર્યો છે. IMA એ પોતાની અરજીમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં ડોક્ટરો અને તબીબી સંસ્થાની છબીને ખૂબ જ ખરાબ રીતે બદનામ કરવામાં આવી છે તેમજ તે સ્વાસ્થ્યકર્મીઓ સામેની હિંસા અને ભ્રષ્ટાચારનું ખોટું ચિત્રણ કરીને તેનું મહિમામંડન કરે છે.
આ કાનૂની વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ભરત વ્યાસે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે `સિનેમેટોગ્રાફી એક્ટ, 1952′ ની કલમ 5(B) ના તમામ કાનૂની નિયમો અને માપદંડોનું સંપૂર્ણ પાલન કરીને જ સક્ષમ અધિકારીઓ દ્વારા ફિલ્મની ચકાસણી કરવામાં આવશે. આ કાયદાકીય પ્રક્રિયા અને વિરોધને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ પણ હાલ પૂરતી ફિલ્મની રિલીઝ અટકાવી દીધી છે.

