New Delhi,તા.૧૯
બાંગ્લાદેશના સ્ટાર વિકેટકીપર લિટન દાસે વિકેટ પાછળથી નવો ઈતિહાસ રચી દીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ 8 ખેલાડીઓને આઉટ કરવાનો ‘વર્લ્ડ રેકોર્ડ’ નોંધાવ્યો છે.
જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી અને આફ્રિકાની પ્રથમ ઈનિંગ દરમિયાન દાસે વિકેટ પાછળથી 8 બેટ્સમેનોને આઉટ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
વિકેટકીપિંગ કરતી વખતે લિટન દાસે આઠમાંથી છ ખેલાડીઓના કેચ ઝડપ્યા, જ્યારે બાકીના બે ખેલાડીઓને સ્ટમ્પિંગ દ્વારા પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે જ તેઓ ટેસ્ટ ઈતિહાસમાં એક જ ઈનિંગમાં આઠ ખેલાડીઓને આઉટ કરનારા પ્રથમ વિકેટકીપર બની ગયા છે અને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ સોશિયલ મીડિયા મારફતે આ સિદ્ધિની ઉજવણી કરી હતી.
લિટન દાસે આફ્રિકાના એડન માર્કરમ, ઝુબેર હમઝા, મેથ્યુ બ્રીટ્ઝકે, વિયાન મુલ્ડર, માર્કો યાનસન અને સાયમન હાર્મરને કેચ દ્વારા આઉટ કર્યા, જ્યારે રિયાન રિકલ્ટન અને કાગિસો રબાડાનું સ્ટમ્પિંગ કર્યું હતું.
બાંગ્લાદેશ તરફથી આ ઈનિંગમાં હસન મહમૂદે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે તસ્કીન અહેમદ અને મેહદી હસન મિરાઝે 2-2 વિકેટ તેમજ ઈબાદત હુસેન અને મોમિનુલ હકે 1-1 સફળતા મેળવી હતી.
વિકેટકીપિંગ પહેલા લિટન દાસે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 400 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેમાં તૌહીદ હૃદોયે 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 137 રન તથા લિટન દાસે 14 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 120 રનની ઈનિંગ રમી હતી.
તેના જવાબમાં દક્ષિણ આફ્રિકા પોતાની પ્રથમ ઈનિંગમાં 557 રનમાં ઓલઆઉટ થયું હતું, જેમાં ઓપનર એકરમેને સૌથી વધુ 157 રન અને રિયાન રિકલ્ટને 13 ચોગ્ગા સાથે 102 રન બનાવ્યા હતા.

