New Delhi,તા.૧૯
આઈપીએલની રિટેન્શન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રાજસ્થાન રોયલ્સમાં યશસ્વી જયસ્વાલના ભવિષ્ય અંગે હજુ પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જયસ્વાલે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ફ્રેન્ચાઈઝીએ પોતાનાં સ્ટાર બેટ્સમેનના બદલામાં વિવિધ ટ્રેડ પ્રસ્તાવો પર વિચારણા કરી હતી. જો કોઈ ફ્રેન્ચાઈઝી તરફથી રાજસ્થાન રોયલ્સને સારો સોદો મળે, તો જયસ્વાલના વિકલ્પની શોધ 16 ડિસેમ્બરે યોજાનારા મિની ઓક્શન બાદ પણ ચાલું રહી શકે છે.
છેલ્લા બે મહિના દરમિયાન રોયલ્સે કેટલીક ફ્રેન્ચાઈઝીઓ સાથે પ્રાથમિક વાતચીત કરી હતી, પરંતુ કોઈ સોદો પાર પડ્યો નહોતો. મંગળવારની રિટેન્શન સમયમર્યાદા પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે થોડા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ બદલામાં રોયલ્સે માંગેલા બે ખેલાડીઓ મુદ્દે LSG સહમત થયું નહોતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેએલ રાહુલ સાથે ઓપનિંગ માટે અનુભવી બેટ્સમેનની શોધમાં રહેલી દિલ્હી કેપિટલ્સે પણ જયસ્વાલ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ કેપિટલ્સે આપેલા વિકલ્પોથી રોયલ્સ સંતુષ્ટ ન હોવાથી તે પ્રસ્તાવ પણ ફગાવી દેવાયો હતો.
રોયલ્સ જયસ્વાલને જવા દેવા માટે ખાસ ઉત્સુક નથી, કારણ કે 2020થી ફ્રેન્ચાઈઝીએ તેને તૈયાર કર્યો છે અને તેના પરિણામો અત્યંત સારા રહ્યા છે. છેલ્લી બે આઈપીએલમાં જયસ્વાલ અને યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીની જોડી સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ જોડીઓમાંની એક રહી હતી, પરંતુ ગયા સીઝનમાં રિયાન પરાગને કેપ્ટન બનાવ્યા બાદ સમીકરણો બદલાવા લાગ્યા હતા.
ઈજા વચ્ચે રમેલા પરાગના નેતૃત્વમાં ટીમ છેલ્લી આઈપીએલમાં ત્રીજા સ્થાને રહી હતી અને નવા મેનેજમેન્ટે પણ સાતત્ય જાળવવાની જરૂરિયાત સમજીને આગામી સીઝન માટે પરાગની કેપ્ટનશીપ યથાવત રાખવાની ખાતરી આપી છે.
આઈપીએલ સૂત્રોના મતે, જયસ્વાલ પોતે આગળ વધવામાં રસ ધરાવે છે તેમ જણાય છે અને ફ્રેન્ચાઈઝીમાં ખુશ ન લાગતા રોયલ્સે તેના વિકલ્પની શોધ શરૂ કરી હતી, જોકે તેઓ હજુ પણ તેને જાળવી રાખવાનું પસંદ કરે છે.
આ ઉપરાંત થોડા સમય માટે મુંબઈ ઈન્ડિયન્સે પણ આ વિચાર પર વિચારણા કરી હોવાની ચર્ચા છે, જ્યારે ટીમનું પુનર્ગઠન કરી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ પણ આ રેસમાં સામેલ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.

