New Delhi,તા.૧૯
આઈસીસી દ્વારા વર્ષ 2035 સુધીના મુખ્ય પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ્સના આયોજનની ‘વિન્ડો’ અને અધિકૃત કેલેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ભારત આગામી વર્ષોમાં બે મોટા વૈશ્વિક આયોજનોની યજમાની સંભાળશે.
જેમાં 9 થી 28 ઓક્ટોબર, 2029 દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી અને 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર, 2031 સુધી ODI વર્લ્ડ કપ રમાશે. 2031 ના વનડે વર્લ્ડ કપની યજમાની ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે આ અગાઉ ઓક્ટોબર-નવેમ્બર 2023માં વનડે વર્લ્ડ કપની સફળ યજમાની કરી હતી, જ્યારે વર્ષ 2006 બાદ ભારત પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા જઈ રહ્યું છે.
આગામી આઈસીસી ટૂર્નામેન્ટ્સની શરુઆત વર્ષ 2028 માં 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાનારા T-20 વર્લ્ડ કપથી થશે. ત્યારબાદ 2029 માં 8 થી 12 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઇંગ્લેન્ડમાં રમાશે અને ઓક્ટોબરમાં ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે.
આ કેલેન્ડર મુજબ વર્ષ 20230 માં 4 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી T-20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની સંયુક્ત યજમાનીમાં રમાશે, જ્યારે 2031 માં 12 થી 16 જૂન દરમિયાન ફરી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાશે.
આઈસીસીએ 2031 પછીના 2032 થી 2035 સુધીના ટૂર્નામેન્ટ્સની તારીખો પણ જાહેર કરી દીધી છે, જોકે તેમાં 2032 નો T-20 વર્લ્ડ કપ, 2033 ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2034 નો T-20 વર્લ્ડ કપ અને 2035 ના વનડે વર્લ્ડ કપ માટે યજમાન દેશોની જાહેરાત કરવાની હજુ બાકી રાખી છે. આ ઉપરાંત 2035 સુધી દર બે વર્ષે જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાતી રહેશે.
આ ભવિષ્યના શેડ્યૂલની વિગતો આપતાં આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આઈસીસી ટૂર્નામેન્ટ્સનો પોર્ટફોલિયો અને કાર્યક્રમ ક્રિકેટનાં વૈશ્વિક માળખાના અત્યંત મહત્વપૂર્ણ હિસ્સા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે આ ટૂર્નામેન્ટ્સ વિશે ઘણાં સમય પહેલાં જાણકારી આપવાનું મહત્વ સમજીએ છીએ, કારણ કે તેનાથી ખેલાડીઓ માટે શ્રેષ્ઠ આયોજન, ઉચ્ચ પ્રદર્શન માટેનાં કાર્યક્રમો અને એક વ્યવસ્થિત ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરવામાં ઘણી મદદ મળશે. આઈસીસીના આ નિર્ણયથી રમતને વધુ સ્પર્ધાત્મક બનાવવાની સાથે-સાથે સમગ્ર ક્રિકેટ જગતને એક સુનિશ્ચિત અને બહેતર દિશા મળશે.
આ તરફ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટેના ક્રિકેટ ક્વોલિફાયર મુકાબલાઓની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ક્વોલિફાયર મેચો ફેબ્રુઆરી-માર્ચ 2028 માં બાંગ્લાદેશ અને અમેરિકામાં રમાશે, જેમાં પુરુષ ક્વોલિફાયર મુકાબલાઓ બાંગ્લાદેશમાં 5 થી 13ફેબ્રુઆરી, 2028 દરમિયાન અને મહિલા ક્વોલિફાયર મુકાબલાઓ અમેરિકામાં 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2028 સુધી યોજાશે.
આ સ્પર્ધામાં કુલ આઠ ટીમોને બે અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવશે, જેમની વચ્ચે કુલ 13 મુકાબલા રમાશે. દરેક ટીમ પોતાના જૂથની અન્ય ટીમો સામે એક-એક મેચ રમશે અને બંને જૂથની ટોચની ટીમો ફાઇનલમાં પહોંચશે, જ્યાં વિજેતા બનનાર ટીમ ઓલિમ્પિકમાં રમવા માટેનું અંતિમ ક્વોલિફિકેશન સ્થાન હાંસલ કરશે.

