Junagadh, તા.20
દેશભરમાંથી જુદા જુદા ક્ષેત્રોમાંથી સંતો મહંતો સાધુ પણ ગિરનારના જંગલમાં પરિક્રમા રૂટ ઉપર પોતાના ધુણા ધખાવી જય ગિરનારી નાદ ગુંજી ઉઠયા છે.
થોડા સમય પહેલા ગિરનારના પગથીયા પર અને એક વખત પરિક્રમા રૂટ પર પણ આવી સિંહના હુમલાની ઘટના પામતી તેને ધ્યાને લઈ આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પરિક્રમા ના રૂટ ઉપર બ્રેકરની ટીમ સાથે સાસણ અમરાપુર માંગરોળ સકરબાગ ની ટીમ તૈયાર કરવામાં આવી છે, આ વખતે વન્ય પ્રાણીઓના હુમલા ન બને તે માટે વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તેમ જ પરિક્રમા રૂટ ઉપર કોઈપણ આકસ્મિત સહાયની જરૂર પડે તો ફોન નંબર 0285 26 33 7 11,, 26 51 7 63, 26 33 700, હેલ્પ લાઈન નંબરનું સંપર્ક કરવા વન વિભાગ એ જણાવ્યું છે.
સુરક્ષા બંદોબસ્ત
પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આઠ ઝોનમાં 40 પોલીસ ચોકીઓ કાર્યરત રહેશે. સુરક્ષા માટે 7 ડીવાયએસપી,26 પી.આઈ, 75 પીએસઆઇ, 900 પોલીસ કર્મચારીઓ, 500 હોમગાર્ડ, 700 જી આર ડી એક એસઆરપી કંપની અને એક એસ ડી આર એફ પ્લાટૂન તૈનાત રહેશે. બહારનાં વાહનો માટે ચાર એન્ટ્રી પોઈન્ટ, બે જાહેર પાર્કિંગ અને છ ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથ વિસ્તારમાં વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલી રહેશે. સીસીટીવી લાઈવ ટેલિકાસ્ટ, ત્રણ ઇમરજન્સી રૂટ તથા ખાનગી વાહનો, ફટાકડા, ખુલ્લા ખાદ્યપદાર્થો અને ગંદકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં યાત્રિકોની પરિક્રમામાં અંદાજિત સંખ્યાની વિગતમાં વર્ષ 2023 – 16.25 લાખ, વર્ષ 2022 – 12.19 લાખ, વર્ષ 2024 – 7.84 લાખ, વર્ષ 2025 પરિક્રમા ના સમય દરમિયાન વરસાદ પડતા આયોજન થયું ન હતું.
પરિવહન સુવિધા
ગિરનાર લીલી પરિક્રમા-2026માં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા ભાવિકોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી અવરજવર માટે નવી મિની બસો, વિવિધ જિલ્લાઓમાંથી વધારાની બસો તેમજ ઓનલાઈન અને કેશલેસ ટિકિટ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
કંડક્ટરો દ્વારા યાત્રિકોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ પણ કરવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે એસ.ટી.ના કંડક્ટરોને નવાં ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનો આપવામાં આવ્યાં છે. આ મશીનો મારફતે મુસાફરો ટિકિટનું ભાડું ક્યુઆર કોડથી કેશલેસ ચૂકવી શકશે. આથી રોકડ રકમ અને છૂટા પૈસાની મુશ્કેલી વિના મુસાફરી કરી શકાશે. વિભાગીય નિયામકશ્રીએ ભાવિકોને એસ.ટી.ની સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.
પ્રથમ વખત પીવાનું પહોંચ્યુ
આ વર્ષે ઓછા વરસાદની સ્થિતિમાં ગિરનાર લીલી પરિક્રમા ના રૂટ પર લાખો યાત્રાળુઓને તા. 20 નવેમ્બર થી શરૂ થનારી આ પરિક્રમામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગિરનારના પરિક્રમાના માર્ગ પર નળ પાળીની ઘોડી આ પદયાત્રાનું સૌથી ઊંચું અને કઠિન સ્થળ છે. અહીં તંત્ર દ્વારા અગાઉ ક્યારેય ભૌગોલિક સ્થિતિના કારણે પીવાનું પાણી પહોંચાડી શકાયું ન હતું. સંસ્થાઓ દ્વારા મર્યાદિત વ્યવસ્થાઓ થતી પરંતુ આ વર્ષે પ્રથમ વખત ત્યાં ડોળીવાળાઓની મદદથી 5000 લીટર ક્ષમતાની બે ટાંકીઓ પહોંચાડવામાં આવી છે. એટલું જ નહીં જુનાગઢ પાણી પુરવઠા બોર્ડની ટીમે આ કામગીરી માટે અહીં આઠ દિવસ સુધી જહેમત ઉઠાવી હતી.
પરિવહન દર
જૂનાગઢ જિલ્લા વહીવટન તંત્ર દ્વારા દેશાવરમાંથી આવતા પરિક્રમહ માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે વસૂલતા આડેધડ ભાડાને નિયંત્રિત કરવા માટે શહેરના મુખ્ય 11 સ્થળેથી ભવનાથ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના ઓટોરિક્ષા ના ભાડા નક્કી કર્યા છે રીક્ષામા ત્રણ મુસાફરોનું સંયુક્ત ભાડુ ઉપરકોટ થી 70 રૂપિયા અને સૌથી વધુ મધુરમ ટીંબાવાડી વંથલી રોડ ઉપરથી 165 રહેશે બીજી તરફ એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવતી મીની બસ ભવનાથ સુધીનું ભાડું રૂપિયા 30 અડધી ટિકિટ રૂપિયા 15 નક્કી કરાયું છે
જુનાગઢ કાળવા ચોક થી રૂપિયા 85, દિવાન ચોકથી રૂપિયા 75, રેલ સ્ટેશન થી રૂપિયા 105 એસટી બસ સ્ટેશન થી 125, મજેવડી દરવાજાથી રૂપિયા 90, ઉપરકોટ થી રૂપિયા 70 નીચલા દાતારથી રૂપિયા 75 સકરબાગ થી રૂપિયા 105, રામનિવાસથી રૂપિયા 105, મોતીબાગ થી રૂપિયા 115, જ્યારે મધુરમ ટીંબાવાડી થી રૂપિયા 165 નક્કી કર્યા છે.
આગામી કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ દરમ્યાન જૂનાગઢમાં દુધ વિતરણ કેન્દ્રોએ દુધ અને છાસના ભાવ તથા એલ.પી.જી. કોમર્શીયલ ગેસ સીલીન્ડરના ભાવ વહીવટી તંત્રએ નકકી કર્યા છે.
અમુલ દૂધ જીણાબાવાની મઢીમાં તાજા ટેટ્રા મિલ્ક પેક એક લી. – રૂા.80/-, તાજા ટેટ્રા મિલ્ક પેક 500 એમ.એલ. – રૂા. 42/-, ગોલ્ડ ટેટ્રા મિલ્ક પેક એક લી. – રૂા.86/-, ગોલ્ડ ટેટ્રા મિલ્ક પેક 500 એમ.એલ. – રૂા.45/-, બટર મિલ્ક ટેટ્રા પેક 200 એમ.એલ – રૂા.15/-, રોઝ લસ્સી 200 એમ.એલ – રૂા.25/- ભાવ રહેશે.
મધર ડેરીમાં જીણાબાવાની મઢીમાં, બોરદેવીમાં, બોરદેવી ત્રણ થાણાના રસ્તાની બાજુમાં અને કાળકાના વડલાની બાજુમાં મધર ડેરી ટેટ્રા પેક મિલ્ક પેક એક લી.-રૂા.77/- + રૂા.2/-, મધર ડેરી ટેટ્રા પેક મસાલા છાસ 180 એમ.એલ. – રૂા.15/-, રૂા.2/- પરિવહન દર, મધર ડેરી ટેટ્રા પેક લસ્સી 180 એમ.એલ. – રૂા.20/- + રૂા.2/-, પરિવહન દર મધર ડેરી ટેટ્રા પેક મિલ્ક શેક 180 એમ.એલ. – રૂા. 35/- રૂા.2/- પરિવહન દર છે.
તેમજ અભય ડેરી માટે બોરદેવી મંદિરથી નાગદેવતા મંદિરની વચ્ચે મિલ્ક એક લી. – રૂા.75/-, મિલ્ક 500 એમ.એલ. – રૂા.38/- રહેશે. આ સિવાયના પરિક્રમાના તમામ સ્થળોએ એમ.આર.પી. મુજબ દુધ વિતરણ કરવાનું રહેશે. ઉપરોક્ત વિગતે અમુલ ડેરી તથા માહી ડેરી દ્વારા આ દર્શાવેલ કેન્દ્રો ખાતેથી દુધ, છાસ, લસ્સી, મિલ્ક શેક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પરિક્રમા દરમ્યાન એલ.પી.જી. કોમર્શીયલ ગેસ સીલીન્ડર ઓઈલ માર્કેટીંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમ.આર.પી. મુજબ મળશે. તેમ સી.પી. હિરવાણીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પુરવઠા શાખા, જિલ્લા કલેક્ટર કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આરોગ્ય સેવા
ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા લાખો ભાવિકોની આરોગ્ય સુરક્ષા અને તાત્કાલિક તબીબી સારવાર સુનિશ્ચિત કરવા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા માર્ગ અને ગિરનાર પર્વત પર મળી કુલ 11 સ્થળોએ કામચલાઉ દવાખાનાં શરૂ કરાશે. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, જીવનરક્ષક દવાઓ અને પ્રાથમિક સારવારની સુવિધાઓ સાથે આ દવાખાનાં કાર્યરત થશે.કારતક સુદ અગિયારસ, તા. 20 નવેમ્બરથી શરૂ થનારી ગિરનાર લીલી પરિક્રમામાં જોડાનારા શ્રદ્ધાળુઓને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિશેષ અપીલ કરી છે. પરિક્રમાની પવિત્રતા સાથે ગિરનારની પ્રાકૃતિક સંપદાનું જતન થાય અને યાત્રાળુઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમણે અનુરોધ કર્યો છે.
જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા ભાવિકોને પર્યાવરણ અને પ્રકૃતિના જતન સાથે યાત્રા કરવા ભાવપૂર્વક અપીલ કરી છે. પાણીની અછતને ધ્યાને રાખીને પાણીનો બગાડ ટાળવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જંગલ અને વન્યજીવોની સુરક્ષા જળવાય તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમણે અનુરોધ કર્યો છે.
મહંત શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે પરિક્રમામાં આવનારા દરેક ભાવિકે પુણ્યનું ભાથું બાંધવાની સાથે ગિરનારની પ્રકૃતિના જતનની જવાબદારી પણ નિભાવવી જોઈએ. પાણીની અછતને ધ્યાનમાં રાખીને પાણીનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઉપયોગ ન કરવો તેમજ કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે સ્વચ્છતા જાળવવી જોઈએ.
જંગલ વિસ્તારમાં આગ લાગવાની સંભાવનાને અટકાવવા વિશેષ સાવચેતી રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. અન્નક્ષેત્રોના સંચાલકો ભોજન વ્યવસ્થા દરમિયાન પૂરતી તકેદારી રાખે તે સાથે દરેક ભાવિકે પણ આગથી જંગલ અને વન્યજીવોને નુકસાન ન થાય તેની જવાબદારી સમજવી જરૂરી છે.
પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા, સ્વચ્છતા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, નિર્ધારિત માર્ગનું પાલન અને જંગલની સુરક્ષા જેવા સંકલ્પો સાથે ઈશ્વર ગિરનારીનું સ્મરણ કરતાં પરિક્રમા કરીએ અને પ્રકૃતિના જતન સાથે પુણ્યનું ભાથું બાંધીએ.સૌરાષ્ટ્રની શાન અને જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખ સમાન ઐતિહાસિક તથા પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી તથા પોરબંદરના લોકસભા સાંસદ ડો. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશ અને ગુજરાતના ખૂણેખૂણેથી ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
સાથે જ આ પવિત્ર યાત્રાને સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને પ્રકૃતિમય બનાવવા તમામ યાત્રાળુઓને સહયોગ આપવા ભાવભીની અપીલ કરી છે.
ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને ભવ્ય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારત કાળમાં પાંડવોએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાં પણ ગિરનારની ભૂમિ સાથે જોડાયેલાં હોવાની માન્યતા છે. આ પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિક્રમાના દુર્ગમ જંગલમાર્ગો પર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સેંકડો સેવાભાવી સંસ્થાઓ તથા મંડળો દ્વારા અન્નક્ષેત્રો, ચા-પાણીની વ્યવસ્થા અને મેડિકલ કેમ્પ સહિતની સેવાઓ કરવામાં આવે છે.
ગુજરાતની આ સેવાભાવી પરંપરા અને ’અતિથિ દેવો ભવ:’ની સંસ્કૃતિનું આ ઉત્તમ ઉદાહરણ છે. અહીં અમીર-ગરીબ, ઊંચ-નીચ સહિતના તમામ ભેદભાવ ભૂલી લાખો લોકો એક જ ભાવનાથી જોડાય છે. ગિરનારની પવિત્ર ભૂમિ પર સાકાર કરવા સૌ સાથે મળીને પ્રયાસ કરીએ અને ગિરનારની લીલી પરિક્રમાને સાચા અર્થમાં ’પર્યાવરણ તીર્થયાત્રા’ બનાવીએ.
ગિરનારની લીલી પરિક્રમા એ જૂનાગઢમાં 36 કિલોમીટરની પાંચ દિવસીય પદયાત્રા છે, જે 2026માં 20 નવેમ્બર (મધ્યરાત્રિ 12 વાગ્યાથી) થી 24 નવેમ્બર દરમિયાન યોજાશે.
ચોમાસા બાદ ગિરનારના જંગલો લીલાછમ બનેલા હોય છે અને પ્રકૃતિના ખોળે આ યાત્રા થતી હોવાથી તેને ‘લીલી પરિક્રમા’ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં પરિક્રમાનું મહત્ત્વ રહેલું છે, જેમાં શ્રદ્ધાના કેન્દ્રરૂપ પ્રતિમા, સ્થાન કે મંદિરને કેન્દ્રમાં રાખીને તે જમણી બાજુ રહે તે મુજબ ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે.
આવી જ રીતે લીલી પરિક્રમાના કેન્દ્રમાં ગિરનારનો પર્વત હોય છે, જે હિમાલય કરતાં પણ જૂનો છે. ગિરનારને દેવતુલ્ય ગણીને તેની પૂજા થતી હોવાથી ઘણાં શ્રદ્ધાળુઓ પરિક્રમા પહેલાં અને પછી ગિરનાર ચઢતા નથી. લોકવાયકા મુજબ સતયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે સૌપ્રથમ ગિરનારની પરિક્રમા કરી હતી. માન્યતા છે કે ગિરનાર ક્ષેત્રમાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને કારતક માસમાં તેઓ અહીં નિવાસ કરે છે. ગિરનારને ભગવાન દત્તાત્રેયની તપોભૂમિ માનવામાં આવે છે.
ઐતિહાસિક સંદર્ભો મુજબ, 1864માં દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ આ પરિક્રમાની પરંપરાને ફરીથી વેગ આપ્યો અને વ્યવસ્થિત શરૂ કરાવી હતી. વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસના રોજ ભવનાથ તળેટીએ રાત્રી રોકાણ કરી, બીજા દિવસે સવારે દૂધેશ્વર મહાદેવની જગ્યા પાસેથી શરૂ થતા પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે.
સૌપ્રથમ જીણાબાવાની મઢીએ વિસામો લઈ સરકડીયા હનુમાન, સુરજકુંડ, પાટનાથ થઈ માળવેલા રાત્રિ રોકાણ કરે છે. ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે. ચોથે દિવસે બોરદેવીથી દૂધવન ઢોળાવાળી ખોડીયાર પર્વતની ઘોડી ચઢીને ગિરનારની સીડી પાસે તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે. ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના ચાર પડાવને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગના પ્રતિનિધિત્વ સાથે જોડીને જોવામાં આવે છે.
દેવ દિવાળીના દિવસે કોઈપણ પદયાત્રી પરિક્રમા પૂર્ણ કરે તો તેમને 33 કોટી દેવી-દેવતાનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તેવી માન્યતા છે. ગિરનારની લીલી પરિક્રમા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, તે પ્રકૃતિના ખોળે અંતરઆત્માની ખોજ કરવાનો અવસર છે. સાથોસાથ સંતો અને મહાત્માઓનાં આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

