Rajkot. તા.20
સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, લોકોમાં જાગૃતતાના અભાવે એપીકે ફાઇલ કે ઓટીપી મેળવીને લોકોના એકાઉન્ટ ખાલી કરી નાખે છે.ત્યારે જસદણ પંથકમાં પણ વધું એક ફ્રોડનો બનાવી સામે આવ્યો છે.
જસદણમાં રહેતા યુવાનનો મોબાઇલ હેક કરી અલગ અલગ બે ટ્રાન્ઝેકશન કરી તેના એકાઉન્ટમાંથી રૂ.60 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. યુવાન ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા જતા આ ટ્રાન્જેક્શન ફેઇલ થયા બાદ તપાસ કરતા તેની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડ્યું હતું. જે મામલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જસદણમાં વિશ્વકર્મા સોસાયટી આસોપાલવ પાસે વિંછિયા રોડ પર રહેતા ધર્મેશભાઈ ભગવાનજીભાઈ શાપરા (ઉ.વ.38) નામના યુવાને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તા.18 ના રોજ બપોરના સમયે તે મોબાઇલમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવા જતા ટ્રાન્જેક્શન થયું ન હતું જેથી તેણે બેલેન્સ ચેક કરતા ઓનલાઈન એકથી વધુ ટ્રાન્જેક્શન દેખાતા હતા, જે ટ્રાન્જેક્શન તેણે કર્યા ન હતા. જે પૈકી કેટલાક ટ્રાન્ઝેકશન ફેઇલ પણ થયા હતા.
બાદમાં બેંકમાં જઈ તપાસ કરતા યુવાનના એકાઉન્ટમાંથી રૂ.50 હજાર તથા રૂ.10 હજાર એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ. 60 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું.
યુવકની જાણ બહાર તેનો મોબાઇલ ફોન હેક કરી તેના એકાઉન્ટમાંથી નાણા તફડાવી લેવામાં આવ્યા હોય સાયબર ફ્રોડની આ ઘટના અંગે યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

