વિનોદભાઇ માછી નિરંકારી
૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના બીજા દિવસે નિરંકારી રાજપિતા રમિતજીએ દ્રષ્ટિહીન વ્યક્તિ અને ફાનસના દ્રષ્ટાંત દ્વારા આધ્યાત્મિક જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. આ દ્રષ્ટાંત આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણે માત્ર ગુરૂભક્તિનું બાહ્ય સ્વરૂપ ધારણ કર્યું છે કે સદગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલા બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ખરેખર આપણા જીવનમાં પ્રગટ્યો છે?
આપણે ભજન ગાઈએ છીએ,સત્સંગ કરીએ છીએ,મધુર વાણી બોલીએ છીએ અને ગુરૂભક્ત હોવાનો આનંદ અનુભવીએ છીએ પરંતુ શું આપણા અંતરમાંથી અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, સ્વાર્થ અને પ્રશંસાની અપેક્ષા દૂર થઈ છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક બોધકથાના આધ્યાત્મિક રહસ્યને સમજવું જરૂરી છે.
દ્રષ્ટિહીન વ્યક્તિ અને ફાનસનું દ્રષ્ટાંત..
એક દ્રષ્ટિહીન વ્યક્તિ પોતાના મિત્રના ઘરે મહેમાન બનીને જાય છે.સાંજ પડતાં મિત્ર તેને રાત્રિના અંધકારમાં રસ્તો સરળતાથી પસાર કરી શકે તે માટે ફાનસ આપે છે. દ્રષ્ટિહીન વ્યક્તિ કહે છે “ભાઈ ! હું તો જોઈ શકતો નથી તો પછી આ ફાનસ મારા શા કામની?” મિત્ર સમજાવે છે કે ફાનસના પ્રકાશથી રસ્તે ચાલતા બીજા લોકોને તે દેખાશે અને તેઓ તેની સાથે અથડાશે નહીં. ફાનસ લઈને તે પોતાના ઘરે જવા નીકળે છે,રસ્તામાં એક વ્યક્તિ તેની સાથે અથડાય છે ત્યારે તે ગુસ્સાથી કહે છે કે “મારા હાથમાં ફાનસ હોવા છતાં તમે મારી સાથે કેમ અથડાયા?” સામેની વ્યક્તિ જવાબ આપે છે કે “તમારા હાથમાં ફાનસ તો છે પરંતુ તેનો પ્રકાશ બુઝાઈ ગયો છે તેથી મને તમે દેખાયા નહીં.”
આ સરળ દ્રષ્ટાંતમાં જીવનનું ગહન આધ્યાત્મિક રહસ્ય સમાયેલું છે. હાથમાં ફાનસ હોવી અને તેમાં પ્રકાશ હોવો એ બે અલગ બાબતો છે, એ જ રીતે ગુરૂભક્તિનું બાહ્ય સ્વરૂપ ધારણ કરવું અને જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ પ્રગટવી એ પણ બે અલગ બાબતો છે. ફાનસ એટલે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ..આ બોધકથામાં ફાનસને બ્રહ્મજ્ઞાનના પ્રતીક તરીકે સમજી શકાય છે.સદગુરૂ આપણને નિરાકાર પરમાત્માનું જ્ઞાન આપે છે અને જીવનને સાચી દિશામાં આગળ વધારવાની પ્રેરણા આપે છે પરંતુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણા જીવનમાં અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ અને સ્વાર્થનું પ્રભુત્વ રહે તો સમજવું જોઈએ કે પ્રાપ્ત થયેલા જ્ઞાનને જીવનમાં ઉતારવાની સાધના હજુ બાકી છે.
જ્ઞાન પ્રાપ્ત કરવું આધ્યાત્મિક યાત્રાની શરૂઆત છે,તે જ્ઞાનના આધારે પોતાના વિચારો-વાણી અને વર્તનમાં સુધારો લાવવો એ જાગૃતિની દિશામાં આગળ વધવું છે.આપણે સત્સંગમાં જઈએ, ભજન ગાઈએ, પુસ્તકો વાંચીએ અને બીજાને જ્ઞાનની વાતો સમજાવીએ છીએ પરંતુ આપણા વ્યવહારમાં પ્રેમ-નમ્રતા અને સહિષ્ણુતા ન હોય તો પોતાની જાતને પૂછવું જોઈએ કે “શું મારા હાથમાં જ્ઞાનનો ફાનસ છે પરંતુ મારા જીવનમાં તેનો પ્રકાશ પ્રગટ્યો નથી?”
આ પ્રશ્ન બીજાને પૂછવાનો નથી પરંતુ પોતાની જાતને પૂછવાનો છે. જ્ઞાનનેત્ર એટલે અંતરની આંખ. સામાન્ય આંખો આપણને બહારની દુનિયા બતાવે છે જ્યારે અંતરની આંખ આપણને પોતાના વિચારો-વૃત્તિઓ અને અહંકારને ઓળખવામાં મદદ કરે છે. બ્રહ્મજ્ઞાનથી મનુષ્યને નિરાકાર પરમાત્માના અસ્તિત્વની સમજ મળે છે,આ સમજણ જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની પ્રેરણા આપે છે. વ્યક્તિ જાતિ, ધર્મ, ભાષા, સંપત્તિ કે હોદ્દાના આધારે ભેદભાવ કરવાને બદલે સૌ પ્રત્યે પ્રેમ-આદર અને સમાનતાનો ભાવ કેળવવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનનેત્ર ખૂલવાનો અર્થ કોઈ અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થવી નહીં પરંતુ પોતાની ભૂલો ઓળખવાની અને જીવનને સત્યના પ્રકાશમાં જોવાની સમજ વિકસવી એવો છે.
જ્યારે અંતરની આંખ ખુલે છે ત્યારે વ્યક્તિ બીજાની ભૂલો શોધતાં પહેલાં પોતાની અંદર જોવાનું શીખે છે. બીજાને સુધારવા પહેલાં પોતાને સુધારવાની પ્રેરણા મેળવે છે. પોતાની મહાનતા સાબિત કરવા કરતાં નમ્રતાથી જીવવાનું મહત્વ સમજે છે.ભજન ગાતાં અને પ્રવચન કરતાં શીખ્યા પરંતુ જીવન બદલાયું ખરૂં? આધ્યાત્મિક જીવનમાં ભજન, સત્સંગ, સેવા અને પ્રવચનનું મહત્વ છે પરંતુ તેની સાચી કસોટી આપણા વ્યવહારમાં થાય છે.મીઠું બોલતાં શીખ્યા પરંતુ કોઈ આપણી વિરૂદ્ધ બોલે ત્યારે ગુસ્સા પર નિયંત્રણ રાખી શકીએ છીએ? ભજન ગાતાં શીખ્યા પરંતુ મનમાં કોઈ પ્રત્યે દ્વેષ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ? સત્સંગમાં નમ્રતાની વાત કરીએ છીએ પરંતુ ઘરમાં પરિવારજનો સાથે પણ નમ્રતાથી વર્તીએ છીએ? બીજાને પ્રેમ અને એકતાનો સંદેશ આપીએ છીએ પરંતુ કોઈ આપણા વિચારો સાથે સહમત ન થાય ત્યારે તેને સ્વીકારી શકીએ છીએ? આ પ્રશ્નો આત્મચિંતન માટે મહત્વના છે.
આધ્યાત્મિકતાની સાચી કસોટી માત્ર સત્સંગમાં આપણે શું બોલીએ છીએ તેમાં નથી પરંતુ સત્સંગની બહાર કેવું જીવન જીવીએ છીએ તેમાં છે.સત્સંગમાં સાંભળેલા વિચારો આપણા સ્વભાવને સુધારે અને આપણા વર્તનમાં પ્રેમ-સત્ય તથા માનવતા પ્રગટાવે ત્યારે જ્ઞાનનો પ્રકાશ જીવનમાં ઉતરી રહ્યો છે તેમ કહી શકાય.
ગુરૂભક્તિ માત્ર બાહ્ય ઓળખ કે પરંપરા સુધી સીમિત નથી. સત્સંગમાં નિયમિત હાજરી આપવી, સેવાકાર્યમાં જોડાવું અને સદગુરૂની મહિમા ગાવી એ બધી બાબતો મહત્વપૂર્ણ છે પરંતુ તેની સાથે અંતરમાં સમર્પણ અને નમ્રતા પણ હોવાં જોઈએ. કોઈ આપણી અવગણના કરે ત્યારે મનમાં દ્વેષ ન વધવા દેવો, પોતાની ઇચ્છા પૂરી ન થાય ત્યારે ધીરજ જાળવવી અને સેવા કર્યા પછી પ્રશંસા ન મળે તો પણ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહેવું એ સમર્પણનાં લક્ષણો છે.
સાચો ગુરૂભક્ત એ નથી કે જે માત્ર ગુરૂની મહિમા ગાય છે પરંતુ જે ગુરૂના ઉપદેશથી પોતાના જીવનમાં પ્રેમ, નમ્રતા, સહનશીલતા અને માનવતાને સ્થાન આપે. પરમાત્મા પર વિશ્વાસ રાખીને જીવવું એટલે જવાબદારીઓથી દૂર થવું નહીં. પરિવાર,સમાજ અને દેશ પ્રત્યેની ફરજો નિષ્ઠાથી નિભાવતાં અનાવશ્યક ભય અને ચિંતાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો. પરમાત્માનો અહેસાસ આપણને વધુ સજાગ અને જવાબદાર બનાવે એ જ સાચી જાગૃતિ છે.
હરદમ નિરાકારનો અહેસાસ એટલે જાગૃતિ..
સત્સંગમાં બેઠા હોઈએ ત્યારે પરમાત્માનું સ્મરણ કરવું સહેલું છે પરંતુ જીવનની વાસ્તવિક કસોટી રોજિંદા વ્યવહારમાં થાય છે. કોઈ આપણી ટીકા કરે ત્યારે આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ? કોઈ બીજાને સફળતા મળે ત્યારે આનંદ અનુભવીએ છીએ કે ઈર્ષ્યા? સેવા કરતી વખતે બીજાના કલ્યાણને મહત્વ આપીએ છીએ કે પ્રશંસાની રાહ જોઈએ છીએ? જો આપણે નિરાકાર પરમાત્માની સર્વવ્યાપકતામાં વિશ્વાસ રાખીએ છીએ તો આપણા વ્યવહારમાં પણ પ્રેમ, સત્ય, સમાનતા અને નૈતિકતા દેખાવાં જોઈએ. જાગૃત વ્યક્તિ પણ ભૂલ કરી શકે છે પરંતુ તે પોતાની ભૂલ ઓળખીને તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. પરમાત્માની હાજરીનો અહેસાસ તેને પોતાના વિચારો અને વર્તન પ્રત્યે વધુ જવાબદાર બનાવે છે. જાગૃતિ એટલે માત્ર પરમાત્મા વિશે જાણવું નહીં પરંતુ પરમાત્માના અહેસાસ સાથે દરેક ક્ષણને પ્રેમાળ-સજાગ અને જવાબદાર રીતે જીવવાનો સતત પ્રયત્ન કરવો.
મારી વાહવાહ થાય એવી ઇચ્છા-શું જ્ઞાનનો પ્રકાશ ઝાંખો પડી રહ્યો છે? આ દ્રષ્ટાંત આપણને પ્રશંસાની અપેક્ષા વિશે પણ વિચારવા પ્રેરે છે. આપણે સેવા કરીએ, સત્સંગનું આયોજન કરીએ કે બીજાને મદદ કરીએ પરંતુ મનમાં એવી ઇચ્છા હોય કે લોકો આપણાં વખાણ કરે, આપણું નામ લે અને આપણને મહત્વ આપે તો આત્મચિંતન જરૂરી છે. જ્યારે પ્રશંસા મળે ત્યારે આનંદ થાય પરંતુ નામ ન મળે ત્યારે મન દુઃખી થાય. બીજાનું સન્માન થાય ત્યારે ઈર્ષ્યા થાય કે સેવા કરવાની પ્રેરણા સન્માન સાથે જોડાઈ જાય ત્યારે સમજવું જોઈએ કે અહંકારની વૃત્તિ હજુ કાર્યરત છે.
પ્રશંસા મળવી ખોટી નથી પરંતુ પ્રશંસા મેળવવી જ સેવાનું મુખ્ય કારણ બની જાય તે યોગ્ય નથી. સાચી સેવા એ છે જેમાં બીજાના કલ્યાણને પોતાની ઓળખ કરતાં વધુ મહત્વ આપવામાં આવે. સેવા દરમિયાન આપણું નામ કેટલું આવ્યું તેના કરતાં આપણા કાર્યથી કેટલા લોકોને મદદ મળી એ વધુ મહત્વનું છે. જ્યાં પ્રશંસાની અપેક્ષા ઘટે છે અને નિઃસ્વાર્થ સેવાનો ભાવ વધે છે ત્યાં અહંકારની પકડ ઢીલી પડવા લાગે છે.
જ્ઞાનનો દીવો સતત પ્રજ્વલિત રાખવાનો માર્ગ..
બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ જીવનમાં જાળવી રાખવા માટે કેટલીક બાબતોનો નિયમિત અભ્યાસ જરૂરી છે. સત્સંગમાં મળેલા ઉપદેશને માત્ર સાંભળવાને બદલે જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ.દરેક પરિસ્થિતિમાં પરમાત્માની હાજરીનો અહેસાસ જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ. દિવસના અંતે વિચારીએ કે આપણી વાણીથી કોઈને દુઃખ તો નથી પહોંચ્યું? ક્યાં અહંકાર આવ્યો? ક્યાં વધુ નમ્ર બની શક્યા હોત? નામ-હોદ્દો કે પ્રશંસાની અપેક્ષા વિના બીજાની જરૂરિયાત પ્રમાણે મદદ કરીએ. જાતિ, ધર્મ, ભાષા કે આર્થિક સ્થિતિના આધારે ભેદભાવ કર્યા વિના સૌનો આદર કરીએ. પોતાની ભૂલ ઓળખીએ, જરૂર પડે ત્યારે માફી માગીએ અને સુધારવાનો પ્રયત્ન કરીએ. આ બધા પ્રયત્નો એક દિવસમાં પૂર્ણ થતા નથી. આધ્યાત્મિક જીવન સતત આત્મચિંતન અને સુધારણાની યાત્રા છે.
ફાનસ હાથમાં નહીં અંતરમાં પ્રકાશ જોઈએ..
દ્રષ્ટિહીન વ્યક્તિ અને ફાનસનો દ્રષ્ટાંત આપણને સમજાવે છે કે ફાનસ હાથમાં રાખવાથી માર્ગ પ્રકાશિત થતો નથી, તેમાં પ્રકાશ હોવો જરૂરી છે. એ જ રીતે માત્ર ગુરૂભક્તિનું બાહ્ય સ્વરૂપ પૂરતું નથી. સદગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલા બ્રહ્મજ્ઞાનને જીવનમાં ઉતારવું જરૂરી છે.
માત્ર ભજન ગાવાથી નહીં પરંતુ ભજનના ભાવ પ્રમાણે જીવવાથી, માત્ર પ્રવચન આપવાથી નહીં પરંતુ ઉપદેશનું પાલન કરવાથી અને માત્ર પરમાત્મા વિશે જાણવાથી નહીં પરંતુ તેના અહેસાસ સાથે પ્રેમ-નમ્રતા અને માનવતાથી જીવવાથી આધ્યાત્મિક જાગૃતિનો માર્ગ પ્રશસ્ત થાય છે.
આપણે દરરોજ પોતાની જાતને પૂછીએ..
“શું હું માત્ર જ્ઞાનની વાતો કરૂં છું કે જ્ઞાનના પ્રકાશમાં જીવન પણ જીવું છું?” મારી વાણીમાં મીઠાશ છે તો મનમાં પ્રેમ છે? મારા હાથ સેવા કરે છે તો મનમાં નિઃસ્વાર્થ ભાવ છે? મારૂં મસ્તક સદગુરૂ પ્રત્યે નમે છે તો મારો અહંકાર પણ નમ્ર બની રહ્યો છે? હું પરમાત્માની સર્વવ્યાપકતાની વાત કરૂં છું તો શું મારા વ્યવહારમાં દરેક મનુષ્ય પ્રત્યે સમાનતા અને આદર દેખાય છે? જાગૃતિનો માર્ગ બીજાની ખામીઓ શોધવાથી નહીં પરંતુ પોતાની અપૂર્ણતાઓ ઓળખીને તેને સુધારવાથી આગળ વધે છે. જ્યારે આપણે અહંકાર ઘટાડીએ, વાણી પર સંયમ રાખીએ, બીજાના સુખમાં આનંદ અનુભવીએ અને નિઃસ્વાર્થ સેવા કરીએ ત્યારે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ આપણા વ્યવહારમાં પ્રતિબિંબિત થવા લાગે છે.સદગુરૂ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ કૃપા છે, તે જ્ઞાનને જીવનમાં ઉતારવું એ સાધના છે અને પ્રત્યેક ક્ષણે નિરાકાર પરમાત્માના અહેસાસ સાથે પ્રેમ-નમ્રતા તથા નિઃસ્વાર્થ ભાવથી જીવવાનો પ્રયત્ન કરવો એ સાચી આધ્યાત્મિક જાગૃતિની દિશા છે.

