Mumbai,તા.23
ઈન્દોર સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં રેલવેઝના 23 વર્ષીય રાઇટ-આર્મ પેસ બોલર જમશેદ આલમે રવિવારે સૌરાષ્ટ્ર સામેની મુકાબલામાં ઐતિહાસિક પ્રદર્શન કરતાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. પોતાની પ્રથમ જ ડોમેસ્ટિક ટી-20 મેચ રમી રહેલા આલમે 4-0-38-5ના શાનદાર બોલિંગ આંકડા નોંધાવ્યા હતા, જેના જોરે રેલવેઝે સૌરાષ્ટ્રને 29 રનથી પરાજય આપ્યો હતો.
સૌરાષ્ટ્રના 183 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે દાવની ચોથી ઓવર અને પોતાના સ્પેલની પ્રથમ જ ઓવરમાં જમશેદ આલમે તબાહી મચાવી હતી. તેણે સતત ચાર બોલમાં હાર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, રુચિત આહિર અને સમર ગજ્જરને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારબાદ આગલી ઓવરમાં સિદ્ધાર્થ રાણાને આઉટ કરીને તેણે માત્ર નવ બોલમાં પાંચ વિકેટ પૂર્ણ કરી હતી, જેના કારણે સૌરાષ્ટ્રનો સ્કોર 6 વિકેટે 30 રન થઈ ગયો હતો.
આ સિદ્ધિ સાથે જમશેદ આલમ ટી-20 ક્રિકેટમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. અગાઉ અભિમન્યુ મિથુન (નવેમ્બર 2019) અને દર્શન નાલકંડે (નવેમ્બર 2021)એ દાવની 20મી ઓવરમાં આ કારનામું કર્યું હતું, જ્યારે આલમે ડેબ્યૂ મેચની શરૂઆતી ઓવરમાં જ આ સિદ્ધિ મેળવી છે.
વિશ્વના 19મા બોલરની યાદીમાં સ્થાન
મેન્સ ટી-20 ક્રિકેટમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપનાર જમશેદ આલમ વિશ્વનો 19મો બોલર બન્યો છે. આ યાદીમાં લસિથ મલિંગા, આન્દ્રે રસેલ, રાશીદ ખાન, શાહીન આફ્રિદી, અભિમન્યુ મિથુન, દર્શન નાલકંડે અને જેસન હોલ્ડર જેવા બોલરો સામેલ છે.

