Mumbai, તા.૨૬
Ramayana’માં સીતાનું પાત્ર ભજવનાર દક્ષિણની સુપરસ્ટાર સાઈ પલ્લવી વાસ્તવિક જીવનમાં પોતાની સાદગી અને અલગ અંદાજ માટે પણ જાણીતી છે. ચાહકોએ ઘણાં વર્ષોથી નોંધ્યું છે કે તે હંમેશાં પોતાના કાંડા પર રૂદ્રાક્ષની માળા પહેરેલી જોવા મળે છે. હવે સાઈએ ખુલાસો કર્યો છે કે આ માળાનો તેના દાદા અને મેડિકલના અભ્યાસ દરમ્યાન આવતી પરીક્ષાઓ સાથે ખાસ સંબંધ છે.
પોતાની આ રૂદ્રાક્ષની માળા વિશે ખુલાસો કરતાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે આ માળા પહેલાં તેના ભાઇ પાસે હતી. તેનો ભાઇ આ માળા તામિલનાડુના ત્રિચી સ્થિત શ્રીરંગમના શ્રીરંગનાથસ્વામી મંદિરમાંથી લાવ્યો હતો. ત્યાર બાદ તેના દાદાએ ભાઇ પાસેથી આ માળા લઈને સાઈને આપી દીધી હતી.સાઈએ આ માળા સાથેના પોતાના લગાવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અભ્યાસ દરમ્યાન પરીક્ષાની આગલી રાત્રે હું આ માળા હાથમાં લઈને પ્રાર્થના કરતી હતી. પરીક્ષાના એક દિવસ પહેલાં હું એ રૂદ્રાક્ષની માળા લઈને પ્રાર્થના કરું છું.સાચું કહું તો એના કારણે મેં પરીક્ષાઓમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. શરૂઆતમાં આ માળા માત્ર પરીક્ષા પહેલાં પ્રાર્થના કરવા પૂરતી મર્યાદિત હતી, પણ ધીમે-ધીમે એ મારી રોજિંદી આદત બની ગઈ. હવે હું શૂટિંગ માટે જતી વખતે પણ એને પહેરૂ છું.

