મહારાષ્ટ્રના જલગાંવના ભૂષણ ક્યારેક માત્ર ૨૪ રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા હતા, આજે બન્યા કરોડપતિ
Mumbai, તા.૨૬
’લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.’ પોતાની જીદથી પરિસ્થિતિ બદલી નાખનારાઓ પર કવિ સોહનલાલ દ્વિવેદીની આ પંક્તિઓ બિલકુલ બંધબેસે છે અને મુશ્કેલથી મુશ્કેલ સમયમાં પણ હિંમત ન હારનારા એવા જ એક મક્કમ વ્યક્તિ છે મહારાષ્ટ્રનાં જલગાંવના ભૂષણ ઠાકરે.પોતાના ગામ બલવાડીમાં માતા-પિતાને છૂટક મજૂરી કરતાં જોઈને મોટા થયેલાં ભૂષણનું એક જ સપનું હતું કે એક દિવસ તેઓ પોતાના ઘરની સ્થિતિ બદલે અને જાણીતાં ટીવી શો KBC-18 માં એક કરોડ રૂપિયા જીતીને તેમણે આ સપનું સાકાર કરી બતાવ્યું.
અમિતાભ બચ્ચન જેનું સંચાલન કરી રહ્યા છે તેવા કેબીસીની આ સીઝનના તેઓ પહેલા કરોડપતિ છે.પોતાના પરિવારનું ખરેખર ’ભૂષણ’ એટલે કે ઘરેણાં સાબિત થયેલાં ભૂષણ જણાવે છે, ’અમે બાળપણથી માત્ર મુશ્કેલીઓ, પડકારો અને આર્થિક તંગી જ જોઈ છે. માતા-પિતાએ બીજાના ખેતરોમાં રોજમદારી કરીને મને અને મારા નાના ભાઈને ભણાવ્યા-ગણાવ્યા. મને ખૂબ દુઃખ થતું હતું કે પિતાજી ૫૫ વર્ષની ઉંમરે ૨૦-૨૨ વર્ષના જુવાન છોકરાઓ જેટલી મહેનત કરે છે, કારણ કે જો તેઓ વધુ કામ નહીં કરે તો લોકો કામ નહીં આપે.છેલ્લા ૩-૪ વર્ષોમાં ભાગ્યે જ તેમણે કોઈ નવા કપડાં લીધાં હશે. હંમેશા ડાઘ લાગેલા જૂના કપડાં જ પહેરતા રહ્યા. પિતાજીની આ હાલત જોઈને રડવું આવતું હતું કે તેમનો જુવાન દીકરો ઘરે બેઠો છે, છતાં તેમની મદદ નથી કરી રહ્યો; પરંતુ પિતાજીનું કહેવું હતું કે હું મારા અભ્યાસ પર જ ધ્યાન આપું.
તેથી, હું અભ્યાસ અને કેબીસીની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરતો રહ્યો.’ દોઢ વર્ષ પહેલાં ભૂષણે એ જીદ સાથે પોતાનું ઘર છોડી દીધું કે જ્યાં સુધી કંઈક બની નહીં જાય, ત્યાં સુધી ઘરે પાછા નહીં ફરે. તે સમયે તેમના ખિસ્સામાં માત્ર ૨૪ રૂપિયા હતા. ભૂષણે કહ્યું કે ’મેં ઘરે કહી દીધું હતું કે જ્યાં સુધી હું કંઈક કરી નહીં લઉં ત્યાં સુધી ઘરે પાછો નહીં આવું, પરંતુ ક્યારેક-ક્યારેક ડર પણ લાગતો હતો કે ખરેખર કંઈક કરી પણ શકીશ કે નહીં. જ્યારે કે, આટલા મોટા શોમાં અમિતાભ બચ્ચનજીની સામે બેસવાનું સપનું જોવું પણ મારા જેવા આર્થિક રીતે નબળા પરિવારના છોકરા માટે ખૂબ મોટી વાત છે. પરંતુ હું હંમેશાથી આશાવાદી રહ્યો છું. આ જ આશાવાદ કામ આવ્યો.’ જીતના પૈસાનું ભૂષણ શું કરશે? આ પૂછવા પર તેઓ જણાવે છે, ’પહેલાં તો હું તેમને કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા ઇચ્છીશ, જ્યાંથી દર મહિને આવક થતી રહે.
તે સિવાય, મારી માતાએ જ્યારે સોનું સસ્તું હતું, ત્યારે પપ્પાની કમાણીમાંથી થોડું-થોડું બચાવીને ૨૦-૨૫ ગ્રામ સોનું ભેગું કર્યું હતું. તે પણ મારા અભ્યાસ અને હોસ્ટેલની જરૂરિયાતોમાં ખર્ચ થઈ ગયું, તો હું માતા માટે સોનાના ઘરેણાં ખરીદીશ.’ KBC-18 ભૂષણ માટે હંમેશા એક આશાની જ્યોત જેવું રહ્યું છે. તેઓ જણાવે છે, ’મને યુપીએસસી કરતાં વધુ આશા કેબીસીથી હતી. હું મનોમન કલ્પના કરતો હતો અને વિશ્વાસ રાખતો હતો કે હું કરોડપતિ બની જઈશ. મેં દસ વર્ષ આ દિવસની રાહ જોઈ છે. ૨૦૧૬ માં ૧૮ વર્ષનો થયો અને કેબીસીમાં રજિસ્ટ્રેશન કરવા માટે લાયક બન્યો. ત્યારથી સતત પ્રયત્ન કરી રહ્યો હતો. ૨૦૨૦ સુધી તો મને ઓડિશન માટે કોલ પણ ન આવ્યો.પછી ૨૦૨૧ થી લઈને ૨૦૨૫ સુધી કોલ આવ્યા, પણ પસંદગી ન થઈ. આ વર્ષે પસંદગી થઈ અને હું કરોડપતિ પણ બની ગયો.’

