કલર કામના બહાને નાશીરખાન પઠાણ અને દાઉદખાને ઘરે બોલાવી ઘેનના ટીકડા પીવડાવી બેભાન કરી એક્ટિવા પર બેસાડી પાંચપીપળા પુલ પરથી ફેંકી દીધો
Junagadh તા.૨૬ઃ
Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણી માટે ૨૪ વર્ષીય યુવકને પોતાના ઘરે કલર કામ કરવા બોલાવી, ઘેનના ટીકડા પીવડાવી, બેભાન કરી, મરણ જનારની મોટર સાયકલમાં બે આરોપીઓએ મરણ જનારને વચ્ચે બેસાડી, અપહરણ કરી, જુનાગઢથી જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે ભાદર નદીના પુલ પાસે લઈ જઈ, નદીના પાણીમાં નીચે નાખી દઈ, મોત નિપજાવ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા આ મામલે ચકચાર મચી જવા પામી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના સુખનાથ ચોક પાસે, કુંભારવાડામાં રહેતા સાહિલ હનિફભાઇ જમાલભાઈ શેખ (ઉ.વ.૨૪) એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના સગાભાઈ મરણ જનાર સમીરભાઇ હનીફભાઇ શેખ (ઉ.વ.૨૭) વાળા પાસે શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા આરોપી નાશીરખાન પઠાણ રૂ. ૮૦,૦૦૦ માંગતા હોય અને મરણ જનાર પાસે હાલ રૂપીયા ન હોય, જેથી આરોપી નાશીરખાન એ મરણજનારને અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય, જેથી મરણ જનાર સમીરભાઇ એ આરોપી નાશિરભાઈને મજુરીકામ કરી થોડા થોડા કરી રૂપીયા આપી દેવાની વાત કરેલ હોય,
જેથી આરોપી નાશીરખાન પઠાણ તથા દાઉદખાન નાશીરખાન પઠાણએ અગાઉથી પુર્વ આયોજીત કાવતરૂ રચી, મરણ જનાર સમીરને તા.૧૬/૧૧/૨૬ ના રોજ પોતાના ઘરે કલર કામ કરવા બોલાવી, તા. ૧૬ ના ૧૦૩૦ થી તા. ૧૮/૧૧/૨૬ ના ૧૦ વાગ્યા સુધીમાં ઘેનના ટીકડા લસ્સીમા નાખી, પીવડાવી, મરણ જનારને બેભાન કરી, આરોપી નાશરખાન એ મરણ જનારની કાળા કલરની એકટીવા મોટર સાયકલ ચલાવી, તેમા મરણ જનાર સમીરને વચ્ચે બેસાડી આરોપી દાઉદખાને પાછળ બેસી, મરણ જનારને પકડી રાખી, અપહરણ કરી, જુનાગઢથી જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે ભાદર નદીના પુલ ઉપર લઈ જઈ, મરણ જનારને નદીના પાણીમાં નાખી દઈ મોત નિપજાવેલ છે.
પોલીસે ફરિયાદી સાહિલ હનિફભાઇ જમાલભાઈ શેખની ફરિયાદ લઈ, આરોપી નાશીરખાન પઠાણ તથા દાઉદખાન નાશીરખાન પઠાણ વિરુદ્ધ ગુન્હો નોંધી, સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝા એ વધુ તપાસ હાથ ધરી છે.

