દ્વારકામાં ૪૦૨ ગ્રામ ગાંજો, જામનગરમાં ૪.૭૨ કિલો ગાંજો અને ૪.૧૯ ગ્રામ , સુરેન્દ્રનગરમાં ગાંજાના ૯ લીલા છોડનું વાવેતર ઝડપાયું
રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ૫૧૯ વ્યક્તિઓની ચેકિંગ, યુવા પેઢીને નશાથી બચાવવા ડ્રાઈવ
Rajkot તા.૨૬ઃ
રાજ્ય સરકાર દ્વારા નશાના સોદાગરો સામે તૂટી પડવા આપેલા આદેશને પગલે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે રાજકોટ રેન્જના ચાર જિલ્લામાં છ કેસ કરી પોલીસે સાત પેડલરોને ઝડપી લીધા હતાં. પોલીસે ગાંજા થી લઇ એમ.ડી ડ્રગ્સ મળી રૂ.૧૪.૩૨ લાખનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસની કામગીરી ને પગલે નશાના સોદાગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
રાજયભરમાં ડ્રગ્સ-ગાંજો સહિતના માદક પદાર્થની હેરાફેરી અને સેવન અટકાવવા કડક કાર્યવાહી થઇ રહી છે. ત્યારે રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ નશીલા માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ, સંગ્રહ, હેરાફેરી અને સેવન જેવી પ્રવૃત્તિઓને ડામવા આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ૧૫૬ વ્યક્તિઓને ચેક કરતાં એક સફળ કેસ શોધી કાઢ્યો હતો. જેમાં ૪૦૨ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.૨૦,૧૦૦ થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો. જામનગરમાં ગાંજા સાથે એમડી પાવડરનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. પોલીસે ૨૩૮ વ્યક્તિઓની તપાસ દરમિયાન બે કેસ શોધી કાઢ્યા હતા. જેમાં ચાર કિલો ૭૨૫ ગ્રામ ગાંજો, કિંમત રૂ.૨,૩૬,૨૫૦ તથા ૪.૧૯ ગ્રામ એમડી પાવડર, કિંમત રૂ.૪૧,૯૦૦ કબજે કરવામાં આવ્યો હતો.
જ્યારે સુરેન્દ્રનગરમાં ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું હતું. જિલ્લામાં પોલીસે ૯૦ વ્યક્તિઓને ચેક કરતાં ત્રણ સફળ કેસ નોંધ્યા હતા. જેમાં ગાંજાના નવ લીલા છોડ, કુલ વજન ૧૨ કિલો ૧૬ ગ્રામ અને કિંમત રૂ.૬,૦૮,૦૦૦નો જથ્થો કબજે કરાયો હતો. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે ૩૫ વ્યક્તિઓને ચેક કર્યા હતા.
ચાર જિલ્લાઓમાં કરાયેલી કાર્યવાહીમાં છ કેસ નોંધી સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, યુવા પેઢીને નશાથી બચાવવા અને માદક પદાર્થોના ગેરકાયદે નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવા આવી ડ્રાઇવ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

