એક ગૃહસ્થના ઘરમાં ભગવાનની કૃપાથી ધન-સંપત્તિ અને બાળકોની કોઈ કમી નહોતી,પતિ-પત્ની વચ્ચે થોડા વૈચારિક મતભેદો અને થોડી સમજણના અભાવના કારણે ઘરમાં વારંવાર વાદ-વિવાદ અને ઝઘડા થતા હતા,આ વાદ-વિવાદ ક્યારેક મારપીટનું રૂપ ધારણ કરી લેતાં હતાં.આ ગામમાં એક મહાત્માજીનું આગમન થાય છે અને તેમના પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું.ધાર્મિક સ્વભાવના હોવાથી પતિ-પત્ની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લેતા હતા અને દરરોજ પ્રવચનો સાંભળવા જતા હતા.એક દિવસ આ ગૃહસ્થની પત્નીએ મહાત્માજીને તેમના ઘરમાં પતિ-પત્ની વચ્ચે વારંવાર થતા વાદ-વિવાદ અને ઘરમાં થતા ઝઘડાનું કારણ જણાવ્યું અને તેના નિવારણ માટે ઉપાય પૂછ્યો.
ગૃહસ્થની પત્નીની વાત સાંભળીને મહાત્માજી હસ્યા અને બોલ્યા કે તમારી આ સમસ્યાનો ઉકેલ મારી પાસે છે,આની અચૂક શોધિત દવા મારી પાસે છે.મહાત્માજીએ તે સ્ત્રીને એક બોટલમાં આ દવા ભરી આપી અને કહ્યું કે જ્યારે તમે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે આ દવા ફક્ત બે-ચાર મિનિટના માટે મોંઢામાં ભરી લઇને તારા પતિની સામે જ ઊભા રહેવાનું,તેનાથી તમારા પતિ શાંત થઇ જશે.પતિ-પત્નિ વચ્ચે વાદ-વિવાદ અને ઘરમાં ઝઘડો શરૂ થયો ત્યારે પત્નીએ મહાત્માજીના કહ્યા અનુસાર દવા મોંઢામાં ભરીને તેના પતિની સામે જ ઉભી રહી જતી અને ચમત્કાર થયો ! તેનો પતિ શાંત થઇ જતો હતો.
બીજા દિવસે ગૃહસ્થની પત્ની મહાત્માજીની પાસે જઇ તેમના ચરણસ્પર્શ કરીને તેમને આપેલ દવાના થતા ફાયદા બતાવી આવી જ દવા વધારે આપવા વિનંતી કરે છે ત્યારે મહાત્માજી ર્હંસીને કહે છે કે બેટા જેને તમે દવા સમજો છો તે તો ફક્ત સાદું પાણી જ હતું.તમારો ઝઘડો શાંત થયો તેનું કારણ એ છે કે તમારા મોંઢામાં પાણી ભરેલું હતું તેથી તમે તમારા પતિને સામે બોલી શક્યા નહી અને શાંત રહ્યા.તમારા મૌન રહેવાના કારણે તમારા પતિ પણ શાંત થઇ ગયા.અત્યાર સુધી તમારા પતિ ઝઘડાના સમયે ક્રોધાગ્નિ થી બળતા ત્યારે તમે તેમની સામે બોલીને ઘી ની આહૂતિ બનીને તેમના ક્રોધાગ્નિને વધારતાં હતાં. મહાત્માજીએ કહ્યું કે તમારા પતિની સાથે વાદ-વિવાદ કે ઝઘડો થાય ત્યારે તમારૂં બે-ચાર મિનિટનું મૌન જ વાદ-વિવાદ અને ઝઘડાને શાંત કરવાની અચૂક દવા છે.ક્રોધી માણસ ગમે તેટલો ક્રોધ કરે પણ તમે મૌન રહો તો તેનો ક્રોધ શાંત થઇ જાય છે.
વ્યર્થ કંઈપણ બોલવું નહિ,મનથી પણ બોલવું નહિ તે મૌન છે.માણસે મૌનનું મહત્વ સમજીને મૌન રાખવું જોઇએ.આપણે બોલવાનું બંધ કરીએ તે મૌન નથી.મૌનમાં માણસની બધી ઇન્દ્દિયોની પ્રવૃતિ આત્મા સાથે જોડાવવી જોઇએ.વાસના અને કામના બંધ કરવાં એ મન અને બુદ્ધિનું મૌન છે.સિદ્ધ ભક્ત દ્વારા આપોઆ૫ સ્વાભાવિક ભગવત્સ્વરૂ૫નું મનન થતું રહે છે એટલા માટે તેને “મૌની” એટલે કે મનનશીલ કહેવામાં આવ્યો છે.અંતઃકરણમાં આવવાવાળી પ્રત્યેક વૃતિમાં તેને ભગવાન જ દેખાય છે એટલા માટે તેના દ્વારા નિરંતર ભગવાનનું જ મનન થાય છે.ટૂંકમાં મૌની એટલે ભગવાનના સ્વરૂ૫નું મનન કરવાવાળો.જૂઠી વાત કરવી તેના કરતાં મૌન રહેવું સારૂં.અમુક પ્રસંગમાં મૌન અને એકાંતવાસ એ દવા છે.મૌન રાખી ભગવદસ્મરણ કરવું તે પણ યજ્ઞ છે.મૌન દ્રારા વાણીનો અને વાસનાહિનતાના અભ્યાસ દ્રારા કર્મોનો સંયમ કરવો જોઇએ.
ક્રોધનું વાતાવરણ થઈ ગયું હોય તો તે જગ્યાએથી દૂર થઈ જવું અને ઠંડુ પાણી પી લેવું.ક્રોધ આવે ત્યારે મૌનવ્રત ધારણ કરી લેવું અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાં પરોવી દેવું કે પછી ફરવા માટે નીકળી જવું. દિવસમાં વધારે નહિ તો ત્રણ કલાક મૌન રાખો,મૌન મનને એકાગ્ર બનાવે છે,મૌનથી મનની શક્તિ વધે છે.વાણી અને પાણીનો જે દુરૂપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે.દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી,ઘણાં જવાબો મૌનમાં પણ રહેલા હોય છે.વાણીથી શક્તિનો વ્યય કરશો નહિ,બહુ ઓછું બોલો.મૌન રાખી સેવા કરનાર ઉપર સંત કૃપા કરે છે.
જ્યાં સુધી શબ્દો બહાર નથી આવતા ત્યાં સુધી શબ્દોના માલિક તમે છો પરંતુ એકવાર મોંમાંથી શબ્દો બહાર આવી ગયા ત્યાર પછી શબ્દો તમારા માલિક બની જાય છે એટલે કિંમત તો મૌનની છે.મૌન પાળવાથી અહમનો નાશ થાય છે,મોટા ભાગે બોલવાનું અહમ બતાવવા માટે થાય છે.વગર પ્રયોજને જે બોલાય તેને બકવાસ કહે છે.ઓછું બોલનારનું લોકો સાંભળે છે,લાંબા ભાષણોથી શ્રોતાઓ કંટાળી જાય છે અને તેમને ઉંઘ આવી જાય છે.વધુ બોલવાથી શરીરની શક્તિ ઓછી થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

