Surendranagar,તા.20
ધ્રાંગધ્રા સબજેલ એકવાર ફરી વિવાદોના ઘેરામાં આવી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ) દ્વારા હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ ફોન ઝડપાઈ જતાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
એસ.ઓ.જી.ની ટીમે જેલના કુલ ૦૮ બેરેકમાં રહેલા ૬૪ જેટલા કાચા કામના કેદીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બેરેક નંબર ૦૭ના બાથરૂમમાં રાખેલી ડોલની નીચેના ભાગેથી એક સ્માર્ટફોન મળી આવ્યો હતો. આ અંગે જ્યારે બેરેકમાં રહેલા કેદીઓની પૂછપરછ કરવામાં આવી, ત્યારે કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. અંતે, પોલીસે એક કેદી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી ચૂકી છે.

