Amreli,તા.7
અમરેલી-સોમનાથ કોસ્ટલ હાઈવે પર અમરેલી- શેલણા ગામ વચ્ચે વાહનની ઠોકરે સિંહણનું મોત થયુ હતું. ગત રાત્રિના સુમારે અમરેલી-સોમનાથ કોસ્ટલ હાઈવે પર હેમાળ અને શેલણા ગામ વચ્ચેથી એક સિંહણ પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. સિંહણને ગંભીર ઈજાઓ પહોંચતા તે રસ્તા પર જ ઢળી પડી હતી અને ટૂંક સમયમાં તેનું મોત થયું હતું.
અકસ્માત સજીને વાહન ચાલક રાત્રિના અંધકારનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર સિંહણની ઉંમર આશરે 5 વર્ષ હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે પંચનામું કરી સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું હતું. વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
આ ટીમો દ્વારા ! હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસવા તેમજ આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાઈવે પર સિંહોની સુરક્ષા સામે ફરી સવાલ ગીરના સાવજો અવારનવાર ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર અને હાઈવે પર ચડી આવે છે. નેશનલ હાઈવે પર વાહનોની ગતિ પર નિયંત્રણના અભાવે અવારનવાર આવા ગંભીર અકસ્માતો સર્જય છે, જેમાં દુર્લભ એશિયાટિક સિંહોએ જીવ ગુમાવવો પડે છે.

