New Delhi, તા.7
ચાંદીના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે હોલમાર્કવાળા ચાંદીના દાગીનાની માંગમાં વધારો થયો હોવાથી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેટલાક શહેરોમાં હોલમાર્કવાળા ચાંદીના દાગીનાનું વેચાણ ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહી છે.
નોંધનીય છે કે, 1 સપ્ટેમ્બરથી ચાંદીના દાગીનાની સ્વૈચ્છિક હોલમાર્કિંગ ઓળખ શરૂ થઈ ત્યારથી 23 લાખ હોલમાર્કવાળા ચાંદીના દાગીના વેચાયા છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 79મા સ્થાપના દિવસની ઉજવણી બાદ મીડિયા સાથે વાત કરતા, BISના ડાયરેક્ટર જનરલ સંજય ગર્ગે જણાવ્યું હતું કે. ચાંદીના હોલમાર્કિંગ સોના કરતાં વધુ પડકારજનક છે.
BIS સોનાના હોલમાર્કિંગને ફરજિયાત બનાવતી વખતે ઉદ્ભવતા પડકારોનો પણ અભ્યાસ કરી રહ્યું છે. સંજય ગર્ગે જણાવ્યું હતું કે સોનાના ફરજિયાત હોલમાર્કિંગની જેમ, કેટલાક શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હોલમાર્કવાળા ચાંદીના દાગીનાનું વેચાણ ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
ઉદ્યોગમાં ગુણવત્તાને એક આદત બનાવોઃ જોશી
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જનતાને ગુણવત્તાને એક આદત તરીકે અપનાવવા વિનંતી કરી. તેમણે ઇઈંજ દ્વારા નિર્ધારિત ધોરણોનો પ્રચાર કરવા માટે એક જન આંદોલનની હાકલ કરી.
તેમણે નોંધ્યું કે ઘણા દેશોમાં, ઉદ્યોગો પોતાના ધોરણો નક્કી કરે છે અને ગુણવત્તા સાથે સમાધાન કરતા નથી. તેમણે ભાર મૂક્યો કે ગુણવત્તા કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે, જે વિશ્વભરમાં ભારતની ઓળખ સુનિશ્ચિત કરે છે.

