Rajkot, તા.9
સૌરાષ્ટ્રમાં ભૂકંપની ફોલ્ટલાઈન સક્રિય થતા જ આફટરશોકનો સીલસીલો શરૂ થવા પામેલ છે. જેમાં ગઈકાલે જેતપુર, ધોરાજી, ઉપલેટા, અમરેલીના ખાંભા, તાલાલા વિસ્તારમાં ચાર કલાકમાં છ આફટરશોક અનચુભવાયા બાદ ફરી આજે સવારના પણ ગોંડલ, જેતપુર, ધોરાજી પંથકમાં ભૂકંપના છ આચકા અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ભયના માહોલ સાથે ફફડાટ ફેલાય જવા પામેલ છે.
ભૂકંપના પગલે ધોરાજીમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી ઘેર મોકલી દેવામાં આવેલ હતા. ગઈકાલે સાંજના 7-16 વાગ્યાથી 10-45 વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્રમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, અમરેલીના ખાંભા, તાલાલા, સહિતના વિસ્તારોમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો દુકાનો- મકાનો છોડી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવેલ હતા. ભૂકંપથી મકાનો- ઈમારતોના બારી બારણા ધણધણી ઉઠયા હતા. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી.
જેમાં ગઈકાલે સાંજના 7-16 વાગ્યે અમરેલીના ખાંભા વિસ્તારમાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યા બાદ 8.24 વાગ્યે ફરી બીજો 1.9ની તીવ્રતાનો આફટર શોક આવેલ હતો. જેનું કેન્દ્રબીંદુ અમરેલીથી 41 કી.મી. દૂર દક્ષિણ- દક્ષિણ-પશ્ચિમ રહ્યું છે.
ત્યારબાદ ફરી રાત્રીના 8-43 વાગ્યે ઉપલેટા વિસ્તારમાં 8-30 વાગ્યે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યા બાદ રાત્રીના 9.16 વાગ્યે 2.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જે બાદ આજ વિસ્તારમાં રાત્રીના 10.03 વાગ્યે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું એપી સેન્ટર ઉપલેટાથી 28 કી.મી. દુર પૂર્વ-ઉતર- પૂર્વ દિશા રહી હતી ત્યાર પછી તાલાલા વિસ્તારમાં રાત્રીના 10.54 વાગ્યે વધુ એક 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું એપી સેન્ટર તાલાલાથી 15 કી.મી. દુર ઉતર- ઉતર પશ્ચિમ દિશા રહી હતી.
ગઈકાલે સાંજના 7-16થી રાત્રીના 10-54 વાગ્યા દરમિયાન આવેલા ભૂકંપના છ આફટર શોક બાદ આજે સવારના ફરી ભૂકંપના આંચકાનો સીલસીલો શરૂ થવા પામેલ હતો જેમાં છ વખત ધરા ભૂકંપથી ધણધણી ઉઠી છે.
ઉપલેટા-જેતપુર- ગોંડલ વિસ્તારમાં ભૂકંપના આ આચકા અનુભવાયા હતા. જેમાં સવારના 6-56 વાગ્યે 2.9ની તીવ્રતાનો 6.58 વાગ્યે 3.2ની તીવ્રતાનો 7.10 વાગ્યે 2.9ની તીવ્રતાનો 7.13 વાગ્યે 2.9ની તીવ્રતાનો 7.33 વાગ્યે 2.7ની તીવ્રતાનો અને 8.34 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર ઉપલેટાથી 27 કી.મી. દૂર રહ્યું હતું.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપના આંચકાનો સીલસીલો શરૂ થતા જ લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામેલ છે. 12 કલાકમાં 12 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ધોરાજીની પ્રાથમિક- માધ્યમિક શાળાઓમાં ભૂકંપના આંચકાને પગલે રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની થવા પામી નથી.
અમરેલી
આજથી 26 વર્ષ પહેલાં 26 જાન્યુઆરીના રોજ આવેલાં વિનાશક ભૂકંપને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. ત્યારે શિયાળાની ઋતુને અને ભૂકંપ વચ્ચે કોઈ કનેક્શન હોય તેમ ઠંડી વધતાં જ ગઈકાલે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીરના ગામડામાં સાંજે વાળું કરવાનાં સમયે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોય લોકો આ ભૂકંપનાં આંચકાથી હલબલી ગયા હતાં.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીરના ગ્રામ્ય વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના ગામોમાં ગઈકાલે સાંજના 7-16 મિનિટે 1-9 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ અંગે સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા પણ ભૂકંપના આંચકાની પુષ્ટી આપી હતી. આ ભૂકંપ અમરેલીથી 41 કિલોમીટર દૂર હોવાં અંગેની વિગતો ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે આપી હતી.
આ અગાઉ પણ ખાંભા પંથકમાં ગીર કાંઠાના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકો આવતાં હોય જેને લઈ ગાંધીનગરથી ખાસ ટીમ આ પંથકમાં દોડી આવી હતી. ત્યારે ગઈકાલે ફરી વખત ભૂકંપનાં આંચકાથી લોકોમાં ભરેવ ગભરાટ ફેલાયો છે.

